- હેલમેટના ૧૦ હજારથી વધુ કેસ કરીને ૫૨.૧૩ લાખનો દંડ કર્યો
- રોંગ સાઇડ વાહન ચલાવનારા પણ દંડાયા, જ્યારે સૌથી ઓછો દંડ કારના ગ્લાસ પર બ્લેક ફિલ્મ માટે ૧.૧૯ લાખ કરાયો
વડોદરા શહેર પોલીસે છેલ્લા ૧૦ દિવસ દરમિયાન શહેરના અલગ - અલગ પોઇન્ટ પર ટ્રાફિક દંડની કામગીરી કરી હતી. વાહન ચાલકો પાસેથી પોલીસે કુલ ૮૨.૫૧ લાખનો દંડ કર્યો હતો.
ટ્રાફિક નિયમના પાલનમાં વાહન ચાલકો ખૂબ જ નિરસ છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. તેમ છતાંય ટ્રાફિક નિયમનો વાહન ચાલકો દ્વારા વારંવાર ભંગ કરવામાં આવે છે. પોલીસ દ્વારા ૧૫મી સપ્ટેમ્બરથી હેલમેટના નિયમનો કડક અમલ શરૂ કરવામાં આવનાર હતો. પરંતુ, છેલ્લા ૧૦ દિવસથી ટ્રાફિક પોલીસ ઉપરાંત સ્થાનિક પોલીસ દ્વારા પણ ઠેર - ઠેર વાહન ચેકિંગના નામે વાહન ચાલકોને રોકી ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે.
ટુ વ્હિલર ચાલકો અને ફોર વ્હિલરના ચાલકો પાસેથી નંબર પ્લેટ, હેલમેટ, કાળા કાચ, રોંગ સાઇડના નિયમના ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં પોલીસે સૌથી વધુ દંડ હેલમેટના નિયમના ભંગ બદલ કર્યો છે. જ્યારે સૌથી ઓછો દંડ કારના ગ્લાસ પર બ્લેક ફિલ્મ માટે ૧.૧૯ લાખ કરવામાં આવ્યો છે.


