- રૂપિયા 2,300ના રિફંડ માટે સંપર્ક કરતાં સ્ક્રીન શેરિંગ એપ ડાઉનલોડ કરાવી, બેંક ઓફ બરોડા અને ફોન પેના પિન એન્ટર કરાવ્યા, બેંક ખાતામાંથી રૂપિયા 64,011 ઉપડી ગયા
વડોદરાના હરણી રોડ વિસ્તારમાં રહેતા આધેડને ઓનલાઈન કસ્ટમર કેર નંબર સર્ચ કરવો ભારે પડ્યો છે. યુપીઆઈમાંથી ડેબિટ થયેલા રૂપિયા 2,300ના રિફંડ માટે ગૂગલ પરથી મળેલા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરતાં સાયબર ઠગોએ 'હેલ્પ ડેસ્ક હોસ્ટ' એપ ડાઉનલોડ કરાવી સ્ક્રીન શેરિંગ મારફતે બેંક ખાતામાંથી રૂ. 64,011 સેરવી લીધા હતા. આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
હરણી રોડ પર આવેલી પુષ્ટીધામ સોસાયટીમાં રહેતા અને શર્મા પેકેજિંગમાં નોકરી કરતા ચિરાગ રમેશચંદ્ર સુરા બેંકમાં પાસબુક પ્રિન્ટ કરાવવા ગયા ત્યારે ખાતામાંથી રૂ. 2,300 ડેબિટ થયાનું સામે આવ્યું હતું. ફોન પે હિસ્ટ્રીમાં આ અંગે કોઈ વિગત ન મળતાં તેમણે ગૂગલ પરથી ફોન પે યુપીઆઈ કસ્ટમર કેરનો નંબર મેળવી સંપર્ક કર્યો હતો. સાયબર ઠગે રિફંડ અપાવવાની ખાતરી આપી તેમને જાળમાં ફસાવ્યા હતા.
આરોપીએ ચિરાગભાઈ પાસે પ્લે સ્ટોરમાંથી 'હેલ્પ ડેસ્ક હોસ્ટ' નામની સ્ક્રીન શેરિંગ એપ ઇન્સ્ટોલ કરાવી સેટિંગ્સ ચાલુ કરાવ્યું હતું. ત્યારબાદ વોટ્સએપ પર કોડ મોકલી બેંક ઓફ બરોડાની એપ અને ફોન પે મારફતે બે વાર પિન એન્ટર કરાવ્યો હતો. શંકા જતાં તેમણે ફોન બંધ કરી દીધો હતો, પરંતુ રાત્રે ફોન ચાલુ કરતાં જ ખાતામાંથી રૂ. 60,010 અને રૂ. 4,001 મળી કુલ રૂ. 64,011 ઉપડી ગયાના મેસેજ મળ્યા હતા.


