મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર દુમાડ ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે 60 વર્ષીય વૃદ્ધનું મોત

દેણા ચોકડી તરફ જતા તુલિપ હોટલની એન્ટ્રી ગેટની સામે હિટ એન્ડ રનનો બન્યો હતો

MailVadodara.com - 60-year-old-man-dies-after-being-hit-by-unknown-vehicle-near-Dumad-intersection-on-Mumbai-Ahmedabad-National-Highway

- ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું

શહેરની દુમાડ ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 47 ઉપર 60 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અને ત્યારબાદ વાહનચાલક નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ચા-નાસ્તાની લારી ચલાવતા નરેન્દ્રસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ, મુજબ દુમાડ ચોકડીથી દેણા ચોકડી તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર તુલિપ હોટલની એન્ટ્રી ગેટની સામે હિટ એન્ડ રનનો બન્યો હતો. જેમાં અજાણ્યો વૃદ્ધ સુરતથી અમદાવાદ તરફના રોડ પરથી ચાલતો-ચાલતો રોડ ક્રોસ કરવા ડિવાઈડર પાસે આવ્યો હતો. તે સમયે દુમાડ બ્રિજ તરફથી પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને વૃદ્ધને અડફેટે લીધા હતા. જેથી વૃદ્ધ હવામાં ઊછળ્યા બાદ રોડ પર પટકાયા હતા. વાહનચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

ઘાયલ વૃદ્ધે કથ્થઈ રંગનો શર્ટ અને ભૂરા રંગનું પેન્ટ પહેર્યું હતું. તેમના માથા અને નાક પરથી લોહી વહેતું હોવાથી ત્યાં ઊભા રહેલા લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે તેમને સયાજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કર્યા હતા.

આ મામલે સમા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે નાસી છૂટેલા વાહનચાલકની શોધખોળ કરી રહી છે.

Share :

Leave a Comments