રાજ્યમાં 6 નવી DEO કચેરીને મંજૂરી; વડોદરામાં શહેરની સાથે ગ્રામ્ય ડીઈઓ કચેરી કાર્યરત થશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓનું વિભાજન કરવામાં આવ્યું

MailVadodara.com - 6-new-DEO-offices-approved-in-the-state-Rural-DEO-office-will-be-functional-along-with-the-city-in-Vadodara

- વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટમાં શહેર-ગ્રામ્યની કચેરી અલગ

- 1018 સ્કૂલમાંથી વડોદરા ગ્રામ્ય DEO કચેરીમાં 298 સ્કૂલ અને વડોદરા શહેર DEO કચેરીમાં 720 સ્કૂલ રખાઇ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તેમજ રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરતને શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ જિલ્લાને બે ભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને કચ્છ - ભુજમાં પશ્ચિમ DEO કચેરીને મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ખૂબ વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્કૂલોની સંખ્યા વધી ગઈ હતી. જેના કારણે મોટા શહેરોમાં આવેલી વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ વધી જતું હતું. વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ પર કામનું ભારણ વધવાના કારણે ઘણી ફાઇલો પેન્ડિંગ રહેતી હતી. જેથી શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ વિભાગમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના વિભાજન માટે રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે શિક્ષણ વિભાગ દ્વારા 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મંજૂરી આપવામાં આવી છે.

વડોદરા ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કુલ 1018 સ્કૂલમાંથી વડોદરા ગ્રામ્ય DEO કચેરીમાં 298 સ્કૂલ અને વડોદરા શહેર DEO કચેરીમાં 720 સ્કૂલને રાખવામાં આવી છે. જેમાં વડોદરા ગ્રામ્ય DEO કચેરી માટે કારેલીબાગમાં આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વૈકલ્પિક બેઠક વ્યવસ્થાનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે, ગ્રામ્યની ડીઈઓ કચેરી વર્તમાન ડીઈઓ કચેરીના સંકુલમાં આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના ત્રીજા માળે કાર્યરત થશે. સરકારે ડીઈઓ કચેરીના સંચાલન માટે વર્તમાન કચેરીની મંજૂર થયેલી ૪૫ જગ્યાઓમાંથી ૧૩ જગ્યાઓ ફાળવવાનું નક્કી કર્યું છે. જેમાં બે શિક્ષણ નિરીક્ષક, ત્રણ મદદનીશ શિક્ષણ નિરીક્ષક, ત્રીજા વર્ગના ૬ કર્મચારીઓ અને ચોથા વર્ગના બે કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે હજી સુધી શિક્ષણ વિભાગ દ્વારા ડીઈઓના નામની જાહેરાત કરવામાં આવી  નથી.

Share :

Leave a Comments