- પે મેટ્રિક્સ લેવલ-2માંથી લેવલ-4માં બઢતી અપાઈ, વિવિધ શાખા અને વોર્ડ કચેરીમાં પોસ્ટિંગ કરાયું
વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને ગણેશ મહોત્સવમાં જ દિવાળી બોનસ મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહીવટી કામગીરીને વધુ ઝડપી, સુચારુ અને અસરકારક બનાવવાના ઉદ્દેશ્યથી તેમજ કર્મચારીઓના મનોબળ અને ઉત્સાહમાં વધારો કરવા માટે વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 57 જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આપવામાં આવી છે. જેના કારણે જેઓને બઢતી મળી છે તેઓમાં ખુશી જોવા મળી રહી છે.
મહાનગરપાલિકા હેઠળ જુનિયર ક્લાર્ક સંવર્ગમાં પે મેટ્રિક્સ લેવલ- 2 (રૂ. 19900 થી 63200) માં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કુલ 57 જેટલા કર્મચારીઓને ઉચ્ચ પગાર ધોરણ પે મેટ્રિક્સ લેવલ- 4 (રૂ. 25500 થી 81100) માં સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવાનો મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી વડોદરા મહાનગરપાલિકાના વહીવટી માળખાને વધુ મજબૂતી મળશે અને સેવાઓની ગુણવત્તામાં પણ સુધારો થશે. વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) આર. એસ. દેસાઈના સત્તાવાર આદેશ અનુસાર આ બઢતીના હુકમો તાત્કાલિક અસરથી જારી કરવામાં આવ્યા છે.
બઢતી મેળવનાર તમામ 57 કર્મચારીઓને મહાનગરપાલિકાની ખાલી પડેલી વિવિધ શાખાઓ, વોર્ડ કચેરીઓ, વિવિધ પ્રોજેક્ટ વિભાગો તેમજ સેન્ટ્રલ સ્ટોર વગેરે જગ્યાઓ પર નવી અને વધુ જવાબદારીપૂર્વકની કામગીરી સોંપવામાં આવી છે. કર્મચારીઓને નવી જગ્યાઓ પર તુરંત જ ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે, જેથી પાલિકાની રોજિંદી કામગીરીમાં કોઈ અડચણ ન આવે અને સિવિક સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે ચાલી શકે. મહાનગરપાલિકા તંત્રના આ સકારાત્મક અને પ્રજાલક્ષી પગલાંથી બઢતી મેળવનાર કર્મચારીઓ સહિત સમગ્ર પાલિકા આલમમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી ગઈ છે.
જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી મળતા કર્મચારીઓમાં ખુશી તો જોવા મળી રહી છે પણ એવો પણ ગણગણાટ છે કે સામાન્ય સભામાં હેડક્લાર્કની જગ્યા ભરવા માટે સિનિયર બઢતી અને આંતરિક પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે એવો પણ ગણગણાટ છે કે જેઓ વિરોધ કરે તેમ હતા તેઓને એક દિવસ અગાઉ જ બઢતી આપી દેવામાં આવી છે. વધુમાં જેઓ જુના છે તેઓ હેડક્લાર્ક માટે દાવો ન કરે તે માટે તેઓને સિનિયર ક્લાર્ક બનાવી દેવામાં આવ્યા હોવાનો પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ કામને આવતીકાલે મળનારી સામાન્ય સભામાં મંજૂરી મળે છે કે કેમ તે જોવું રહ્યું.


