- મગરને જીવ રક્ષક સંસ્થાએ રેસ્ક્યૂ કરી પાદરા વન વિભાગને સોંપ્યો

પાદરાના અંબાજી તળાવના વોકિંગ માર્ગ પરથી વહેલી સવારે પાંચ ફૂટ લાંબો મગર ઝડપાયો હતો. મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે લોકો વોકિંગ કરવા નીકળ્યા તે સમયે આ મગર તળાવમાંથી બહાર આવી વોકિંગ માર્ગ પર બેઠો હતો. પાંચ ફૂટ લાંબા મગરને જોઈને વોકિંગ કરી રહેલા લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક હોમગાર્ડ જવાન અને લોકો દ્વારા પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થા તથા વન વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.


રેસ્ક્યુ ટીમે એક કલાકની જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. પકડાયેલા મગરને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાદરાના ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ મગર દેખાવાના બનાવો વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં પાદરાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરમાંથી પણ મગરોના રેસ્ક્યુના સમાચારો સતત મળી રહ્યા છે.


