વડોદરા શહેર સહિત જિલ્લામાં અવાર નવાર અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં અકસ્માતના પાંચ બનાવો સામે આવ્યા છે. જેમાં પાંચ વ્યક્તિના મોત નિપજ્યા છે. વડોદરાના વાઘોડિયા, વડુ, સાવલી, વરણામા અને ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયા હતા.
નેશનલ હાઈવે 48 પર પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના માર્ગે અકસ્માત
વડોદરાના વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા અકસ્માતમાં ગઈકાલે બપોરે પોર ગામ સુરત તરફથી વડોદરા જતા નેશનલ હાઈવે 48 પર પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જવાના માર્ગે અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરતા મોહનસિંહ ઉત્તમસિંહ ચૌહાણ ઉંમર (વર્ષ 56 રહેવાસી 121 વોર્ડ નંબર 10 નાયકા દફાઈ નોરોજાબાદ તાલુકો કુદરી જિલ્લો ઉમરીયા મધ્યપ્રદેશ )ને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઘટનાસ્થળે જ આ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આજવા વડોદરા રોડ પર ફોર વ્હીલર ચાલક યુવકને ટક્કર મારી કાર સ્થળ પર મૂકી ફરાર
બીજા બનાવમાં વાઘોડિયા ચંપાલિયાપૂરા ગામની સીમમાં આજવા વડોદરા રોડ પર ફોર વ્હીલર ચાલક દ્વારા બેદરકારી પૂર્વક કાર ચલાવી વાઘોડિયાના 20 વર્ષીય યુવક વિક્રમભાઈ જાગાભાઈ ભરવાડને ટક્કર મારી કાર સ્થળ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ અકસ્માતમાં વિક્રમનું કરુણ મોત નીપજ્યું છે.
સમલાયા વેમાર જવાના માર્ગે અજાણ્યો વાહન ચાલક રાહદારીને ટક્કર મારી ફરાર
ત્રીજા બનાવમાં સાવલીના સમલાયા વેમાર જવાના માર્ગે અજાણ્યા વાહન ચાલકે ધીરુભાઈ મનસુખભાઈ રાઠોડીયા (ઉંમર વર્ષ 59, રહે કમલાપુરા નવી નગરી, વાઘોડિયા) ચાલતા જતા હતા તે દરિમયાન ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ધીરૂભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે સાવલી પોલીસે અકસ્માત સર્જનાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
વડોદરાથી ડભોઈ તરફ જતા ટુ વ્હીલર વાહનને ફોર વ્હીલર ચાલક ટક્કર મારી રફુચક્કર
ચોથા બનાવમાં ડભોઇના કુંઢેલા ગામની સીમમાં દરબાર રેસીડેન્સી પાસે એક ફોર વ્હીલર ચાલકે બેદરકારી પૂર્વક વડોદરાથી ડભોઇ તરફ જતા ટુ વ્હીલર વાહનને ટક્કર મારી રફુચક્કર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં સલીમભાઈ કરીમભાઈ મન્સૂરી ( ઉંમર 57 રહે પીપળસર ગામ બારીયા ફળિયું તાલુકો સંખેડા જીલ્લો છોટાઉદેપુર)નું કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે સાવલી પોલીસે ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
પાદરા જંબુસર રોડ પર અજાણ્યા ટ્રક ચાલકે રાહદારીને ટક્કર મારતા મોત
પાંચમાં બનાવમાં વડુ પોલીસ મથક વિસ્તારમાં આવેલ પાદરા જંબુસર રોડ પર અજાણ્યા ટ્રક ચાલકે ભગવાન ઉર્ફે ભગો હરમાનભાઈ પઢીયાર (ઉંમર વર્ષ 48 રહે ગામેઠા પીપળાવાળું ફળિયુ પાદરા જીલ્લો વડોદરા) રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓને લઈ કરૂણ મોત નિપજ્યું હતું.


