- અલકાપુરીથી વાઘોડિયા રોડ સુધીની મુસાફરી દરમિયાન પર્સમાંથી બંગડીઓ અને બિસ્કિટ ચોરાયા, અન્ય મુસાફરો પણ રિક્ષામાં હતા ત્યારે ઘટના બની, સીસીટીવી આધારે તપાસ શરૂ
વડોદરામાં શટલ રિક્ષામાં મુસાફરી દરમિયાન બે મહિલાઓના પર્સમાંથી સોનાના દાગીના ચોરી થવાની ઘટના સામે આવી છે. પાણીગેટ પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની શ્રીનાથ સોસાયટીમાં રહેતા જશુબેન પ્રવીણસિંહ રાઠોડ (ઉં.વ.55), જે વેજલપુર પી.એસ.સી. સબ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ તેમના ભાભી સાથે ભત્રીજાના લગ્ન માટે જૂના સોનાના દાગીના લઈને વડોદરા આવ્યા હતા. સેન્ટ્રલ ડેપો પર ઉતર્યા બાદ બંને અલકાપુરી વિસ્તારમાં આવેલા એક જ્વેલરી શોરૂમ પર ગયા હતા, જ્યાં દાગીનાની કિંમત ઓછી જણાવવામાં આવી હતી. ત્યારબાદ તેઓ અલકાપુરીથી વાઘોડિયા રોડ તરફ જવા માટે શટલ રિક્ષામાં બેઠા હતા, જેમાં અન્ય મુસાફરો પણ હાજર હતા.
વાઘોડિયા રોડ પર ઉતર્યા બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે પર્સમાંથી અંદાજે 3 તોલાની બંગડીઓ અને 1 તોલાનો સોનાનો બિસ્કિટ મળી કુલ 4 તોલાના દાગીના ગાયબ હતા. ઘટના અંગે પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે આગળની તપાસ હાથ ધરી છે.


