- મોડી રાત્રે ચડ્ડી-બંડી પહેરી બંધ મકાનને નિશાન બનાવતા, કપડામાં પથ્થરો બાંધી રાખતા, આરોપી પાસેથી ચાંદીના દાગીના-ફોન મળ્યા, ચોરેલા દાગીના દાહોદમાં વેંચ્યાની કબૂલાત
- દાહોદની `વડવા ગેંગ'નો મુખ્ય આરોપી મુકેશ મથુરભાઇ માવી અન્ય છ ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતો, જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાયો
વડોદરા શહેરમાં તાજેતરમાં રાત્રીના સમયે ચડ્ડી-બંડી પહેરીને ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતી 'વડવા ગેંગ'ના 4 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. આ ગેંગના મુખ્ય આરોપી મુકેશ મથુરભાઇ માવી અન્ય છ ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 8.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાયો છે.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રીના સમયે અજાણ્યા ચાર વ્યક્તિઓ ચડ્ડી-બંડી પહેરીને ઘરફોડ ચોરીના ગુનાઓ અને તેના પ્રયાસો કરતા હોવાનું જણાયું હતું. જેને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી આયોજનબદ્ધ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન માહિતી મળી કે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામના રહેવાસી મુકેશ મથુરભાઇ માવીએ તેના ગામના કમલેશ માવી, સુખરામ માવી અને પંકેશ માવી સાથે મળીને 'વડવા ગેંગ'ની રચના કરી હતી. આ ગેંગ આર્થિક લાભ માટે ચડ્ડી-બંડી પહેરીને રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરતી હતી. તેઓ અવારનવાર વડોદરા આવીને કિશનવાડી વુડા વિસ્તારમાં તેમના સગાના મકાનમાં રોકાતા અને ચોરી કરીને પરત જતા હતા. આ માહિતીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે કિશનવાડી વુડા વિસ્તારમાં આવેલા મકાન પર દરોડો પાડ્યો હતો અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. મકાનમાં પલંગની નીચેથી પ્લાસ્ટિકની થેલીમાંથી ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી આ વસ્તુઓના કોઈ પુરાવા કે બિલ ન મળતાં તેમને કબજે કરવામાં આવ્યા છે.

પોલીસે પકડેલા ચારેય આરોપીઓ મુકેશભાઇ મથુરભાઇ માવી, (રહે. ગામ વડવા, બીલવાલ ફળીયુ, તા. ગરબાડા, જિ. દાહોદ.), કમલેશભાઇ મંગલસીંગ માવી, (રહે. ગામ વડવા, બીલવાલ ફળીયુ, તા. ગરબાડા, જિ. દાહોદ.), સુખરામભાઇ ગલાભાઇ માવી, (રહે. ગામ વડવા, બીલવાલ ફળીયુ, તા. ગરબાડા, જિ. દાહોદ.) અને પંકેશ મથુરભાઇ માવી, (રહે. ગામ વડવા, બીલવાલ ફળીયુ, તા. ગરબાડા, જિ. દાહોદ.)ની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે, તેઓ વડોદરામાં ઘરફોડ ચોરી કરવા આવ્યા હતા અને મળેલા દાગીના તેમની ચોરીનો મુદ્દામાલ છે. તેઓએ ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના દાહોદમાં વેચ્યા હતા, જે તપાસમાં વસુલ કરવામાં આવ્યા. આ કાર્યવાહીથી જવાહરનગર પોલીસ સ્ટેશનના બે અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ થયા અને તપાસ માટે તેમને સોંપવામાં આવ્યા છે.

આ ગેંગે તરસાલી અને સમા વિસ્તારમાં પણ ઘરફોડ ચોરીના પ્રયાસો કર્યા હતા. આરોપીઓએ અગાઉ પાલનપુર, ડીસા, મહેસાણા, દાહોદ અને બોટાદમાં પણ ગુના આચર્યા હતાં. જેના પણ ગુના નોંધાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, આ ગેંગ છેલ્લા અઢી-ત્રણ મહિનામાં અવારનવાર વડોદરા આવીને કિશનવાડી વુડા વિસ્તારમાં તેમના સગાના ઘરે રોકાતી હતી. મોડી રાત્રે તેઓ પહેરેલા કપડાં ઉતારી ચડ્ડી-બંડી પહેરીને સોસાયટીઓમાં બંધ મકાનોની શોધ કરતા હતા. બંધ મકાન મળતાં તેઓ ઘરફોડ ચોરી કરતા. કોઈ વ્યક્તિ આવી જાય તો તેઓને ડરાવવા માટે તેઓ તેમના શરીર પર બાંધેલા કપડાંમાં પથ્થરો બાંધીને તૈયાર રહેતા હતા. આરોપીઓમાં મુકેશ, સુખરામ અને પંકેશ અગાઉ પણ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હતા.


