- ગોરવા પોલીસે સ્થળ પર તપાસતા ચાર જણા જમીન પર કંડાળુ વળીને પીધેલી હાલતમાં મળ્યા હતા
- પોલીસે ચારેયને અટકમાં લઇ દારૂની ખાલી બોટલ અને ચાર ગ્લાસ કબજે લીધા
વડોદરાના ગોત્રી સ્થિત રાજેશ ટાવર વિસ્તારમાં આવેલા બ્યુટી પાર્લરમાં દારૂની મહેફિલ ચાલતી હતી ત્યારે પોલીસ આવી જતાં ચાર મિત્રો પીધેલી હાલતમાં પકડાયા હતા.
ગોત્રી વિસ્તારમાં આવેલા રાજેશ ટાવર પર સામ્રાજ્ય કોમ્પ્લેક્સમાં આવેલા ઉમિયા બ્યુટી પાર્લરમાં રાત્રે દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતી મળતાં ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ પોલીસને મોકલી રેડ પડાવી હતી. ગોરવા પોલીસે સ્થળ પર પહોંચી ત્યારે ચાર જણા નીચે જમીન પર કંડાળુ વળીને પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ચારેયને અટકમાં લઇ દારૂની ખાલી બોટલ અને ચાર ગ્લાસ કબજે લીધા હતા.
પોલીસની તપાસમાં બ્યુટી પાર્લરનો સંચાલક મિતેશ સીતારામ પટેલ (રહે. ચંદ્રનગર સોસાયટી, સુભાનપુરા) હોવાનું ખૂલ્યું હતું. જ્યારે તેની સાથે પકડાયેલા અન્ય ત્રણ મિત્રો હાલોલથી આવ્યા હોવાનું ખૂલ્યું હતું. જેમાં ધવલ પટેલ હાલોલ નગર ભાજપનો મંત્રી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચારેય સામે મહેફિલનો કેસ કર્યો હતો.
ગોરવા પોલીસે સ્થળ પર દારૂની મહેફિલ માણતા મિતશ સીતારામભાઇ પટેલ (બ્યુટીપાર્લરનો સંચાલક અને બરોડા સેન્ટ્રલ કો ઓ બેન્કમાં નોકરી, રહે. ચંદ્ર નગર સોસાયટી, સુભાનપુરા), ધવલ સંજયભાઇ પટેલ (હાલોલ નગર ભાજપનો મંત્રી, રહે. ધવલ પાર્ક સોસાયટી, કંજરી રોડ, હાલોલ, જિ. પંચમહાલ), હિમાંશુ રાજુભાઇ પટેલ (ખાનગી કંપનીમાં નોકરી, રહે. નર્મદા નગર, કંજરી રોડ, હાલોલ) પાવન બલવીરસિંહ ચૌહાણ (ખાનગી નોકરી રહે. ઉમા સોસાયટી, કંજરી રોડ, હાલોલ)ને ઝડપી પાડ્યા હતા.


