- ઇકો કારમાં આવેલા શખ્સોએ યુવકના ગળામાંથી 5 હજારની ચાંદીની ચેન તોડી લઇ રોકડ રકમ અને મોબાઈલ સહિતની લૂંટ ચલાવી હતી, પોલીસે 2.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજસ્થાન ખાતે રહેતા ફેબ્રિકેશનનું કામ કરતો યુવક વડોદરા ખાતે તેના બે શ્રમિક સાથે કામની શોધમાં આવ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન પરથી બહાર આવ્યા ત્યારે રેલ્વે ગરનાળા તરફથી તેમની પાસે એક ઇકો આવીને ઊભી રહી હતી. ત્રણ જેટલા શખ્સો નીચે ઉતાર્યા હતા અને યુવકના ગળામાંથી 5 હજારની ચાંદીની ચેન તોડી લીધી હતી. ત્યારબાદ રોકડ રકમ અને મોબાઈલ સહિત રૂ. 10,000 ની લૂંટ ચલાવીને ટોળકી ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અને 2.34 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજસ્થાનના દૌસા જિલ્લાના થાના તાલુકામાં આવેલા જોડીયાવાસ ઢાણી ખાતે રહેતા કમલસિંગ ભવરસિંગ ચારણ ફરિયાદ નોંધાવી હતી કે, હું ફેબ્રીકેશનનો ધંધો કરૂ છુ મારી સાથે અમારા રાજસ્થાનના બ્રિજેશકુમાર રાસમખરાડી મીના તેમજ રોહીતાસ જગદીશપ્રાસાદ મીના મારી સાથે કામ કરે છે. અમે સાડા ત્રણેક મહીનાથી વાપી ખાતે મજુરી કરતા હતા અને વાપીનુ કામ ગઈકાલે પૂર્ણ થયેલ હતું. જેથી નવા કામની શોધમાં હતા અને વડોદરા ખાતે રહેતા ઈમરાનભાઈ કોન્ટ્રાક્ટરને ફેબ્રીકેશનનું કામ કરાવવું હોય અમે તેમની સાથે વાતચીત કરવા વડોદરા બોલાવતા 14 જુલાઈના રોજ સાંજે નવેક વાગે અમે વાપીથી જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાં વગર ટિકિટે જનરલ ડબ્બામાં બેસી વડોદરા આવવા રવાના થયા હતા.
રાત્રિના પોણા એક વાગે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ઉતર્યા હતા અને બહાર આવ્યા હતા અને એકથી દોઢ વાગ્યાના સુમારે ધ ચાર્મન્ડ હેરીટેઝ કાફેની આગળ પેશાબ કરવા માટે ગયા હતા. ત્યારે રેલ્વે ગરનાળા તરફથી એક ઇકો અમારા નજીક લાવી ચાલુ ગાડીએ એક જણાએ તેમાંથી કાચની બોટલ અમને ગભરાવવા માટે રોડ ઉપર ફેકી હતી. ત્યારબાદ ગાડી ઉભી રાખી તેમાંથી ત્રણ માણસો નીચે ઉતરી અમારી પાસે આવ્યા હતા અને મારા ગળામાં પહેરેલી ચાંદીની ચેઇન જોઇ તેણે મને હિન્દી ભાષામાં જણાવ્યુ હતું કે, ચેઇન દે દે જેથી મેં તેને કહ્યું કે, એ લેજા કે ક્યાં કરેગા તેટલામાં તેની સાથેના બીજા માણસે મારા ગળામાંથી આશરે ચાર તોલા વજનની ચાંદીની ચેન રૂ. 5 હજાર તોડી લીધી હતી.
પુછપરછ કરનાર માણસે મારા લોઅરના ખિસ્સામાંથી પાકીટ લઈ લીધેલ જેમાં આશરે રોકડા રૂ.3 હજાર હતા તે તથા મારો મોબાઈલ લઈ લીધો હતો. બીજા માણસે મારી સાથેના રોહીતાસ પાસેથી તાનસેન બીડીના બે બંડલ પણ લઈ લીધા હતા. બ્રિજેશકુમાર ત્યાંથી દોડી જતા તેની કોઇ વસ્તુ ગયેથી નહી. ઈકોમાં આવેલી ટોળકી અમારી રૂા. 10 હજારની માલમત્તા લૂંટ ચલાવી અરૂણોદય-ગેંડા સર્કલ તરફ ભાગી ગઈ હતી. સયાજીગંજ પોલીસે આ ઈકોમાં સવાર ટોળકીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે અને 2.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.


