- ખોડીયાર નગર વિસ્તારમાં રહેતો ગૌરવ હરે રામસિંગ રાત્રિના સમયે મિત્રોને મળવા ગયો હતો
- જૂના ઝઘડાની અદાવતે યુવકને ત્રણ શખ્સોએ પકડી રાખી એક જણાએ ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને ઉપરા છાપરી ત્રણથી ચાર ઘા મારી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા

વડોદરા શહેરના હરણી વારસીયા રીંગ રોડ પર આવેલા સવાદ ક્વાર્ટર્સમાં મિત્રને મળવા આવેલા ખોડીયાર નગરના યુવક સાથે જૂની અદાવત રાખી ચાર માથાભારે શખ્સોએ બબાલ કરી જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ ચારેય શખ્સોને વારસીયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પોલીસ પરિસરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. પોલીસ તપાસમાં આ ચારેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે અવારનવાર ગુનાઓ કરવા છતાં આવા તત્વો શહેરમાં ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયાર લઈ ફરે છે. ત્યારે આ શખ્સો સામે દાખલો બેસે અને આવા લુખ્ખા તત્વો સામે પોલીસ અને પ્રજામાં ડર બેસે તેવી દાખલારૂપ કાર્યવાહી થાય તેવી લોકો માગ કરી રહ્યા છે.

વારસીયા પોલીસે યુવક પર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો અશોકભાઇ રાજ (ઉ.વ.27 રહે.52 આમ્રપાલી સોસાયટી વૈકુંઠ-2ની અંદર આજવા રોડ બાપોદ વડોદરા શહેર), સુમિત ઉર્ફે સ્ટફ નરેશભાઈ મકવાણા (ઉ.વ.26 રહે.304 પાલ્મ વ્યુ ફ્લેટ સયાજીપુરા બાપોદ વિસ્તાર વડોદરા શહેર), નિતિશ ઉર્ફે બાબા દિનેશ સિંગ (ઉ.વ.27 રહે.420 લક્ષ્મીનગર સોસાયટી રઘુકુળ સ્કુલની પાછળ આજવા રોડ બાપોદ વડોદરા શહેર મુળ રહે.પોની હસનપુર ગામ તા.જી.વૈશાલી બિહાર રાજ્ય), વિશાલ હરીશભાઇ શ્રીમાળી (ઉ.વ.31 રહે.81/એ પોલીસ કોલોની વારસીયા રીંગ રોડ વડોદરા શહેર) ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના હરણી વારસીયા રિંગ રોડ ઉપર રહેતા મિત્રોને ખોડીયાર નગરનો ગૌરવ હરે રામસિંગ રાત્રિના સમયે મળવા માટે આવ્યો હતો. તે દરમિયાન તેનો પીછો કરીને આવેલા ચાર જેટલા શખ્સો સવાદ કવાટર્સમાં ધસી આવ્યા હતા અને યુવક સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ફરી મારામારી કરી હતી. ત્યારબાદ યુવકને ત્રણ જેટલા શખ્સો પકડી રાખ્યો હતો, એક જણાએ ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને ઉપરા છાપરી ત્રણથી ચાર ઘા મારી જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોને ઘટના બાબતે જાણ થતાં તેઓ એસએસજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હુમલાખોરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વારસિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ચાર હુમલાખોરોને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી.

ઝડપાયેલા ચારે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી સંકેત ઉર્ફે કાંચો અશોકભાઇ રાજ પાણીગેટ પોલીસ સ્ટેશન, હરણી, વારસીયા, સિટી પોલીસ , ફતેગંજ સહિત આણંદના આંકલાવમાં ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આરોપી સુમિત ઉર્ફે સ્ટફ નરેશભાઇ મકવાણા વારસીયા પોલીસ મથક, આરોપી નિતિશ ઉર્ફે બાબા દિનેશ સિંગલ વિરુદ્ધ વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ છે. જ્યારે આરોપી વિશાલ હરીશભાઇ શ્રીમાળી સામે વલસાડ પારડી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર ડી.સી.બી, સીટી પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે.


