વડોદરામાં વડાપ્રધાન મોદીના સભા સ્થળ સુધી લોકોને પહોંચાડવા 300 બસોની વ્યવસ્થા, રોડ-શો યોજાશે

PM મોદીના આગમન પહેલાં વડોદરા સજ્જ, સરદારધામ-3નું લોકાર્પણ કરી સંબોધન કરશે

MailVadodara.com - 300-buses-to-transport-people-to-Prime-Minister-Modis-rally-venue-in-Vadodara-roadshow-to-be-held

- મુસાફરો માટે લીંબુ પાણી, ફૂડ પેકેટ અને 30 હજાર જ્યુસ-પાણીની બોટલની વ્યવસ્થા તેમજ ST, સિટી અને ખાનગી બસોમાં પાણી, ORS અને નાસ્તાની વ્યવસ્થા સાથે તંત્ર એલર્ટ


PM મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરી સંબોધન કરશે. જેને લઈને વડોદરા શહેરના તમામ 19 વોર્ડમાં લોકોને સરદારધામ મોદીના સભા સ્થળ સુધી પહોંચાડવા માટે 300 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. બસમાં જ્યુસ અને ફુટ પેકેટ મૂકીને બસોને નવલખી મેદાનથી રવાના કરવામાં આવી છે.


વડોદરા મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધર્મેશ રાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશન દ્વારા કુલ 300 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં


એસટીની 100 બસ, 80 સિટી બસ અને 120 ખાનગી બસ મુકાઈ છે. હાલમાં મોટાભાગની બસો મેદાન પરથી રવાના થઈ ચુકી છે. ગરમીને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડ દીઠ બસોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પીવાના પાણી અને લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સવાર અને સાંજ માટેના ફૂડ પેકેટ્સનું વિતરણ પણ દરેક બસમાં કરવામાં આવ્યું છે.


વડોદરા મહાનગરપાલિકાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર જિતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ખાસ કરીને અત્યારે ઉનાળાનો સમય છે એટલે અમે પાણીની વ્યવસ્થા, જ્યુસની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે. ફૂડ પેકેટમાં ગાંઠિયા, બુંદી, ચવાણું અને થેપલા જેવી વાનગીઓ રાખવામાં આવી છે અમે કુલ 15,000 ફૂડ પેકેટ તૈયાર કર્યા છે, જે ત્રણ અલગ-અલગ સ્થળોએથી વિતરણ કરવામાં આવશે. અમે પાણીની જ્યુસની બોટલો આપી રહ્યા છીએ. તેની સંખ્યા આશરે 30,000ની આસપાસ છે. ORSની વ્યવસ્થા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવી છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આયોજન ખૂબ જ સરસ છે. અમે સવારના 6 વાગ્યાથી જ તમામ ગોઠવણ કરી દીધી છે. બૂથના રૂટ મુજબ વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું છે જેથી દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ સમયસર પહોંચી જાય. આ માટે સુપરવાઈઝર પણ હેન્ડલિંગ કરી રહ્યા છે. દરેક વોર્ડમાં સુપરવાઈઝર સાથે બસ પહોંચશે અને ત્યાં હાજર લોકોને વસ્તુઓ પહોંચાડવામાં આવશે.

Share :

Leave a Comments