- પોલીસે ઓટોરિક્ષા, રોકડા રૂ. 5,170, મોબાઇલ ફોન 2 અને પીડિતના ડોક્યુમેન્ટ્સ અને ATM કાર્ડ્સ- એન્કર ફાસ્ટનર નટ-બોલ્ટ મળી કુલ રૂ. 78,970નો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પેસેન્જરને ઓટોરિક્ષામાં બેસાડીને ધમકાવીને લૂંટ કરનાર મહિલા સહિત 3 આરોપીઓને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ગત 20 જાન્યુઆરીની રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે જુના વીટકોસ બસ સ્ટેશન પાસે આવેલા રિક્ષા સ્ટેન્ડ નજીક વડના ઝાડ પાસેથી એક પેસેન્જરને ઓટોરિક્ષામાં બેસાડીને એક મહિલા તથા બે પુરુષ આરોપીઓએ ધમકી આપીને લૂંટ કરી હતી. આ ઘટનામાં આરોપીઓએ પીડિતના ખિસ્સામાંથી રૂ. 250 અને બેગમાંથી રૂ. 15,000 રોકડા સહિત આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, આઈ.કાર્ડ, એલએન્ડટી કંપનીનો ગેટ પાસ, ત્રણ SBI બેંકના ATM કાર્ડ, એક Axis Bank ATM કાર્ડ, જોબ કાર્ડ ડાયરી તથા એન્કર ફાસ્ટનર નટ-બોલ્ટ મળીને કુલ રૂ.16,050ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. પંડ્યા, સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.જે. મીયાત્રા અને સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને અલગ-અલગ ટીમો બનાવીને સર્વેલન્સ, હ્યુમન રિસોર્સ તથા ટેક્નિકલ રિસોર્સનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવી હતી. તા. 23 જાન્યુઆરીના રોજ પોલીસે MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસેથી લૂંટમાં વપરાયેલ ઓટોરિક્ષા સહિત ત્રણ આરોપીઓમાં રાહુલ ઉર્ફે પલ્લો પ્રવિણસિંહ રાઠોડ (રહે. મકાન નં. 18, અંબિકાનગર વિભાગ-2, દીવાળીપુરા, વડોદરા), ગૌતમ હીરાભાઈ પરમાર (રહે. મકાન નં. 45, ગીરધરનગર, ગોત્રી રોડ, વડોદરા) અને કવિતા ઉર્ફે કવુ વીમલેશ દત્તુરામ કાળે (રહે. મકાન નં. 408, જામવાડી, પરશુરામનો ભઠ્ઠો, સયાજીગંજ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ ઉર્ફે પલ્લો પ્રવિણસિંહ રાઠોડ વિરુદ્ધ અગાઉ ગોત્રી, સયાજીગંજ અને જરોદ પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ અને GP એક્ટ હેઠળ અનેક ગુના નોંધાયા છે. તેમજ કવિતા ઉર્ફે કવુ વીમલેશ દત્તુરામ કાળે વિરુદ્ધ પણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે.
પોલીસે આરોપીઓ પાસેથી એક ઓટોરિક્ષા (રજિ. નં. GJ-06-AY-4438, કિંમત 70 હજાર રૂપિયા), રોકડા રૂ. 5,170 (આરોપી રાહુલ પાસેથી), મોબાઇલ ફોન 2 અને પીડિતના ડોક્યુમેન્ટ્સ અને ATM કાર્ડ્સ- એન્કર ફાસ્ટનર નટ-બોલ્ટ (20 નંગ, રૂ. 800) મળી કુલ રૂ. 78,970નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


