- એકના એક દીકરાના મોતથી માતા અજાણ, બંને મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી, આગલા દિવસે સ્કૂલના એન્યુઅલ ફંકશનમાં નાચતો-કૂદતો બાળક બીજા દિવસે કાળનો કોળિયો બન્યો
- અક્સ્માત બાદ બાઇક પર સવાર અન્ય 2 શખ્સ ઘટના સ્થળેથી જ ભાગી છૂટ્યા
વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે રોડ ક્રોસ કરી રહેલા માતા પુત્ર સહિત 3 લોકોને બાઇક પર સવાર 3 લોકોએ અડફેટે લીધા હતા. જેમાં 5 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 2 મહિલાઓને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. માતાને તો ખબર પણ નથી કે, તેનો 5 વર્ષનો દીકરો હવે આ દુનિયામાં રહ્યો નથી. માતા દીકરાને મળવા માટે જીદ લઈને બેઠી છે, પરંતુ આ મિલન હવે શક્ય નથી. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બંને મહિલાઓ સાથે કામ કરતા યુવક રિતેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ઘટના ગઇકાલે રવિવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી. સુસેન સર્કલ પાસે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી બે મહિલાઓ અને એક નાનું બાળક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તેઓ સામેની બાજુ આવેલા ફૂડ સ્ટોલ પર નાસ્તો કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ફૂલ સ્પીડમાં આવેલી બાઇકે તેમને અડફેટે લીધા અને ત્રણેય જણા નીચે પડી ગયા હતા. અકસ્માતમાં બે મહિલાઓને ગંભીર ઇજાઓ થઈ છે. તેમના પગમાં ફ્રેક્ચર થયું છે અને પાંસળીઓ પણ તૂટી ગઈ છે. હાલ તેઓ SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી દુઃખદ વાત એ છે કે, 5 વર્ષના બાળકનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. હાલ તેનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે.
તેઓએ કહ્યું કે, બાઇક પર સવાર ત્રણ લોકોમાંથી અમે એક વ્યક્તિને પકડીને એમ્બ્યુલન્સમાં સાથે લાવ્યા હતા. તેને પણ થોડી ઇજાઓ થઈ હતી, પરંતુ સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ અમે 112 પર કોલ કરીને તેને માંજલપુર પોલીસને સોંપ્યો છે. બાકીના બે લોકો વિશે હજુ કોઈ માહિતી મળી નથી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજુબાજુના લોકોના જણાવ્યા મુજબ બાઇકની સ્પીડ ખૂબ જ વધારે હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેનાથી વધુ સ્પષ્ટતા થશે. બંને મહિલાઓ અમારી ઓફિસમાં જ કામ કરે છે. તેમના નામ જુહી શર્મા અને સૈયર અફઝલ છે. જ્યારે મૃતક બાળકનું નામ ધર્વ હતું.
ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં આગળના દિવસે જ 5 વર્ષના ધર્વની સ્કૂલ કિડઝીમાં એન્યુઅલ ફંકશન હતું. જેમાં ધર્વએ પાર્ટિસિપેટ કર્યું હતું. જેના વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં ધર્વ ખુશખુશાલ જોવા મળે છે અને નાચતો કૂદતો જોવા મળી રહ્યો છે અને બીજા જ દિવસે તે અકસ્માતમાં મૃત્યુ પામે છે. પુત્ર ધર્વ અને માતા જુહી બંને એકલા રહેતા હતા. જેથી માતા હવે એકલી પડી ગઈ છે. જુહીના ડિવોર્સ થયા હતા. જુહીના પિતા પણ એકલા જ રહે છે, કારણકે જુહીના માતા પણ મૃત્યુ પામી છે. બાઈક પર સવાર 3 પૈકી પાછળ બેઠેલ એક શખ્સ ઈજાગ્રસ્ત થતા તને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ તેને રજા આપવામાં આવી હતી. જ્યારે અન્ય 2 શખ્સ ઘટના સ્થળેથી જ ભાગી છૂટ્યા હતા.
મૃતક બાળકના નાના રાજેશભાઈ વાળંદે જણાવ્યું હતું કે, હું તે સમયે બહાર જતો હતો ત્યારે મને ફોન આવ્યો કે, ધર્વનો અકસ્માત થયો છે. મેં તરત જ જુહી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેની સાથે વાત ન થઈ શકી. કારણ કે તેને પણ ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી. હું તાત્કાલિક પંડ્યા બ્રિજ ઉતરીને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મારી દીકરીઓ અને પાંચ વર્ષનો પૌત્ર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક બાઇક પર સવાર ત્રણ લોકો ખૂબ જ ફૂલ સ્પીડમાં આવ્યા અને ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી. તેમાંથી બે જણા તો તરત જ ભાગી ગયા હતા, પણ એક પકડાઈ ગયો હતો.

મારો પાંચ વર્ષનો પૌત્ર ધર્વ જે સીનિયર KG માં ભણતો હતો, તે આ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. હવે તે અમારી વચ્ચે નથી રહ્યો. મારી દીકરી માંજલપુર વિસ્તારમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તે નશામાં જ હતો. તેને કશું જ ભાન નહોતું. મેં તેને પકડી રાખ્યો હતો અને પોલીસને બોલાવી હતી. પોલીસ આવ્યા બાદ તેને ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા.આવા લોકો પર કડક પ્રતિબંધ હોવો જોઈએ. તેઓ દારૂ ક્યાંથી લાવે છે અને પીને આ રીતે બેફામ ગાડીઓ ચલાવી નિર્દોષોના જીવ લે છે, તેમના પર સખત કાર્યવાહી થવી જોઈએ.
તેઓએ કહ્યું હતું કે, મારા પરિવારમાં હવે માત્ર હું અને મારી દીકરી જ છીએ. મારી પત્ની પણ હયાત નથી. મારો પૌત્ર જ મારો સહારો હતો, જે હવે જતો રહ્યો છે. મારી દીકરી એમ કહે છે કે મારા છોકરાનો ફોટો પાડીને મોબાઇલમાં બતાવો. મેં એને કહ્યું કે અહીં મોબાઈલ એલાઉડ નથી, એટલે ફોટો નથી પાડી શકાય તેમ. તો એ કહે છે કે, "એવું ન હોય, મારો છોકરો છે, મને કેમ ન બતાવો?" એ સતત તેના દીકરા વિશે જ પૂછ્યા કરે છે. તે દર વખતે એમ જ પૂછે છે કે, "મારો દીકરો ક્યાં છે? એને કેટલું વાગ્યું છે?" બસ એને એના બાળકની જ ચિંતા છે. અમે એને સાચું નથી કહ્યું. અમે એને એમ જ કહીએ છીએ કે, "થોડુંક વાગ્યું છે," પણ સત્ય જણાવવાની હિંમત અમારામાં નથી.


