મોરબીમાં 3 બંધ મકાનમાંથી ચોરી કરનાર 3 રીઢા આરોપી ઝડપાયા, 3.51 લાખનો મુદ્દામાલ જપ્ત

છાણી કેનાલ રોડ પર કારમાં ઘરફોડ ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા બેઠાને પોલીસ ત્રાટકી હતી

MailVadodara.com - 3-habitual-accused-arrested-for-stealing-from-3-closed-houses-in-Morbi-valuables-worth-Rs-3-51-lakh-seized

મોરબીના 3 બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરનાર 3 રીઢા શિકલીગર આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને રોકડ રૂપિયા, સોના-ચાંદીના દાગીના, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,51,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વડોદરા શહેરના સયાજીગંજની શંકરનગર ઝૂપડપટ્ટીમાં રહેતો પ્રેમસિંગ ઉર્ફે બીમો સતનામસિંગ શિકલીગર તેના સાગરીતો સાથે ચોરીનો મુદ્દામાલ ભાગ પાડવા માટે છાણી કેનાલ રોડ પર કાર (GJ-03-DN-9183)માં એકઠા થયા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા કારમાં 3 શખસો મળી આવ્યા હતા.


પોલીસે સ્થળ પરથી પ્રેમસિંગ ઉર્ફે ભીમ સતનામસિંગ શિકલીગર (ઉ.વ. 24, રહે. શંકરનગર ઝૂંપડપટ્ટી, સયાજીગંજ અને ચિંતનનગર, દંતેશ્વર, વડોદરા), કુલદીપસિંગ ઉર્ફે સન્ની ભગતસિંગ બાવરી (શિકલીગર) (ઉ.વ. 20, રહે. નિઝામપુરા, પેન્શનપુરા, આંબેડકર ચોક, વડોદરા) અને અમરસિંગ ઉર્ફે પાપે લોહરસિંગ બાવરી (શિકલીગર) (ઉ.વ. 22, રહે. જલારામનગર ઝૂપડપટ્ટી, મહાનગર, ડભોઇ રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓએ લગભગ 20 દિવસ પહેલાં વડોદરાથી મોરબી જઈને રાત્રે સોસાયટીના 3 બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હતી. ચોરીના સોના-ચાંદીના દાગીનામાંથી કેટલાક વેચી રોકડ મેળવી હતી. આ ચોરીના ગુનો મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

પોલીસે આરોપીઓ પાસેથી 2 સોનાની વીંટી, 1 સોનાની ચેન, 2 પેન્ડલ, 1 બુટ્ટીની જોડી, 1 ચાંદીની પાયલની જોડી, 2 ચાંદીના સાંકળા, રોકડ રૂ. 1,02,000ની ચલણી નોટો, ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન રૂ. 5,000 અને ફોરવ્હીલ કાર રૂ. 1,50,000 મળી કુલ રૂપિયા 3,51,300નો  મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી પ્રેમસિંગ વડોદરા શહેર, ગ્રામ્ય અને રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી અને મારામારીના કુલ 14 ગુનામાં પકડાયો છે. આરોપી પાસા હેઠળ પણ જેલમાં રહી ચુક્યો છે. જ્યારે કુલદીપસિંહ સામે ઘરફોડ ચોરી અને 1 મારામારીનો ગુનો નોંધાયો છે. તેમજ અમરસિંગ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના 4 ગુનાઓમાં પકડાયો છે.

Share :

Leave a Comments