ભાયલીમાં યુવતીની બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 3 કોલેજીયન યુવતી અને 4 યુવક ઝડપાયા

ભાયલીની મુનવિલા હોટલમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી

MailVadodara.com - 3-college-girls-and-4-boys-caught-drinking-alcohol-at-a-girls-birthday-party-in-Bhayli

- પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી 12,080ની કિંમતની દારૂની ચાર બોટલ 1.55 લાખની કિંમતના 6 મોબાઇલ ફોન મળી કુલ 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી મુનવિલા હોટલમાં યુવતિના જન્મદિવસની ઉજવણી કરવા માટે યોજાયેલી મહેફિલ ઉપર તાલુકા પોલીસે દરોડો પાડતા ત્રણ કોલેજીયન યુવતી સહિત 7 વ્યક્તિ દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપાતા પોલીસે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂની ચાર બોટલ સહિત 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા તાલુકા પોલીસ મથકને હેલ્પલાઇન નંબર ઉપરથી સંદેશો મળ્યો હતો કે, ભાયલી ગામમાં આવેલી મુનવિલા હોટલમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેને પગલે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડતા હોટલના રૂમ નં. 402માં ત્રણ યુવતિ સહિત સાત જણા દારૂની મહેફિલ માણી રહ્યા હતા.

પોલીસે તમામને ચેક કરતા તેઓ દારૂનો નશો કરેલી હાલતમાં હતા. જેથી પોલીસે અકોટા પોલીસ લાઇન સામે શિવશકિત નગરમાં રહેતા દર્શન રવિન્દ્ર પાટીલ, નોએલ સરજુભાઈ મહેરા, ધૃવ કમલસિંહ રાજપુત, કારેલીબાગ અંબાલાલ પાર્કમાં રહેતા કરણ પલ્કેશભાઈ ઠક્કર અને 3 યુવતીની અટકાયત કરી હતી. ત્રણેય યુવતીઓ કોલેજ કરે છે. જ્યારે બે યુવક વ્યવસાય અને બે યુવક નોકરી કરે છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એક યુવતીનો બર્થ ડે હોવાને કારણે તેમણે દારૂની મહેફિલ યોજી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 12,080ની કિંમતની દારૂની ચાર બોટલ 1.55 લાખની કિંમતના 6 મોબાઇલ ફોન મળી કુલ 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Share :

Leave a Comments