સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી ઝડપાયા, 2 હજારથી વધુ ATM અને ચેકબુક જપ્ત

વડોદરા તાલુકા પોલીસે સાયબર ક્રાઇમના ગુનાના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા

MailVadodara.com - 3-accused-involved-in-cyber-crime-arrested,-more-than-2-thousand-ATMs-and-checkbooks-seized

- આરોપીઓ આર્થિક રીતે નબળા નાગરીકોને લોભામણી વાતોમાં ફસાવી બેંક ખાતા ખોલાવી, સીમ કાર્ડ એક્ટિવ કરાવી સાયબર ગુનાઓ આચરતા હતા, અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ

વડોદરા તાલુકા પોલીસે સાયબર ક્રાઇમના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આર્થિક રીતે નબળા નાગરીકોને લોભામણી વાતોમાં ફસાવી બેંક ખાતા ખોલાવી, સીમ કાર્ડ એક્ટિવ કરાવી સાયબર ગુનાઓ આચરતા હતા. હાલમાં તાલુકા પોલીસે ત્રણ આરોપીઓ અર્શદ ઉર્ફે અમન પઠાણ, સોહિલખાન પઠાણ, મોહમદઉમર ચોખાવાલાને ઝડપી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ ચાલી રહી છે.

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને ધ્યાને લઈ, પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચના આધારે વડોદરા તાલુકા પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. બાદમાં પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી પઠાણ નામના ઇસમની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતાં તેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી. તેના કબજામાંથી અલગ-અલગ બેંકોના ડેબિટ કાર્ડ, સીમ કાર્ડ અને મોબાઇલ ફોન મળી આવ્યા, જેને કબજે કરવામાં આવ્યા હતા. વધુ તપાસમાં અર્શદે બે અન્ય સાગરીત-સોહિલખાન, ફિરોજખાન પઠાણ અને મોહમદઉમર મોહમદસાજીદ ચોખાવાલાના નામ જણાવ્યા હતા. પોલીસે તાત્કાલિક બંનેને ઝડપી પાડ્યા હતા.


પકડાયેલા ત્રણેય આરોપી અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી પઠાણ (ઉ.વ. 34, લીગલ ડોક્યુમેન્ટ કન્સલ્ટિંગ, રહે. છાણી જકાતનાકા, વડોદરા), સોહિલખાન ફિરોજખાન પઠાણ (ઉ.વ. 27, પ્રોપર્ટી ડીલર, રહે. પાણીગેટ, વડોદરા) અને મોહમદઉમર મોહમદસાજીદ ચોખાવાલા (ઉ.વ. 24, અપોલો ફાર્મસીમાં નોકરી, રહે. વાડી, વડોદરા) આર્થિક રીતે નબળા નાગરિકોને નાણાકીય લાભનું લોભામણું આપી ફસાવતા હતા. તેઓ આ નાગરીકોના નામે બેંક ખાતા ખોલાવતા અને સીમકાર્ડ એક્ટિવ કરાવી સાયબર ક્રાઇમના ગુનાઓ આચરવા ઉપયોગ કરતા હતા. આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલની વધુ તપાસ ચાલુ છે.

વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 179, 316 (2), 318, 336 (2) (3), 61 (2), 111 (3) મુજબ ગુનો નોંધાયો છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને મુદ્દામાલની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા પોલીસે નાગરિકોને અજાણ્યા લોકોની લોભામણી ઓફરથી સાવધ રહેવા અને બેંક ખાતા કે સીમ કાર્ડની વિગતો શેર ન કરવા અપીલ કરી છે.

Share :

Leave a Comments