- 4 શખસો ફરિયાદીના 25 હજાર ચોરી ફરાર થઈ ગયા હતા
- પોલીસે આરોપીઓ પાસેથી બાઈક, મોપેડ, રોકડ 20,000 રૂપિયા, 3 મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્તે કર્યો
વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે નં. 48 ઉપર APMC માર્કેટની સામે બનેલી લૂંટની ઘટનાનો ભેદ કપુરાઇ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે 3 આરોપીઓને મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર હજુ ફરાર છે. આ મામલે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગત 23 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આશરે 8.30 વાગ્યે નેશનલ હાઈવે નંબર-48 પર લોખંડના બ્રિજ નીચે APMC માર્કેટની સામે ફરિયાદી લક્ઝરી બસની રાહ જોઈને ઊભા હતા. તે વખતે બે ટુ વ્હીલર પર સવાર 4 અજાણ્યા શખસો આવ્યા હતા. બે શખસોએ ફરિયાદીને પકડી રાખ્યા હતા, જ્યારે બીજા બંનેએ પેન્ટના જમણા ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું હતું. પાકીટમાં 25,000 રૂપિયાની રોકડ હતી. ધક્કો મારીને ફરિયાદીને પાડી દીધા બાદ ચારેય ભાગી ગયા હતા..
કપુરાઇ પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શનમાં ડી.સી. રાઓલના માર્ગદર્શમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને CCTV ફૂટેજ, ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે
ત્રણ આરોપીઓ તુષાર ઉર્ફે મીનુ કાંતિભાઈ યુનારા, (રહે. રમેશચંદ્રની ગલી, બરાનપુરા પેટ્રોલપંપ સામે, બરાનપુરા વાડી, વડોદરા) આશિષ ઉર્ફે રૂત્વિક કમલેશભાઈ ચુનારા, (રહે. વિઠ્ઠલવાડી, ચોખંડીનાની શાક માર્કેટ પાસે, વાડી, વડોદરા) અને હર્ષ ઉર્ફે બમ્બુ નયનભાઈ ચુનારા, (રહે. રમેશચંદ્રની ગલીની બાજુમાં, બરાનપુરા પેટ્રોલપંપ સામે, બરાનપુરાવાડી, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ ફરાર સગીર આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી બાઈક, મોપેડ, રોકડ 20,000 રૂપિયા, 3 મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્તે કર્યો હતો.


