લોકોના હાથમાંથી મોબાઇલ-પર્સ ઝૂંટવી બાઈક પર ભાગી જવાના ગુનામાં 3 આરોપી ઝડપાયા

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈ નાસવા જતાં આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા

MailVadodara.com - 3-accused-arrested-for-snatching-mobile-phones-and-purses-from-people-and-fleeing-on-bikes

- આરોપીઓના ગુનાઓની ખાત્રી કરતાં વડોદરા શહેરના કપુરાઈ, મકરપુરા, પાણીગેટ, સયાજીગંજ અને હરણી પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ચીલઝડપના 8 ગુનાનો ભેદ ઉકેલાયો

વડોદરા શહેરમાં છેલ્લા 12 દિવસમાં રસ્તે ચાલતા અને વાહન ચલાવતા નાગરિકોના હાથમાંથી મોબાઇલ ફોન અને પર્સ ઝૂંટવીને બાઈક પર ભાગી જવાના ગુનાઓ આચરનાર 3 રીઢા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને ચીલઝડપના 8 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.


વડોદરામાં મોબાઇલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ મોટે ભાગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારોને ટાર્ગેટ કર્યા હોવાનું જણાતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન બાતમીના આધારે માં શક્તિ વૂડાથી એ.પી.એમ.સી. માર્કેટ તરફ જતા કાચા રોડ પર નજર રાખી હતી, જ્યાં ત્રણ શંકાસ્પદ ઈસમો નરેશભાઈ વિઠ્ઠલભાઈ વાદી (ઉ.વ. 35, રહે. ખોડીયારનગર, ન્યુ વી.આએ. પી. રોડ, વડોદરા),  અર્જુન રાજુભાઈ મારવાડી (ઉ.વ. 19, રહે. ખોડીયારનગર, ન્યુ વી.આઇ.પી. રોડ, વડોદરા) અને સંજયભાઈ મેલાભાઈ વાદી (ઉ.વ. 32, રહે. દાતા લોજ પાછળ, વાઘોડીયા, વડોદરા) બાઈક પર જોવા મળ્યા હતા. પોલીસને જોઈ આરોપીઓએ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમને ઝડપી લીધા હતા.

આરોપીઓ પાસેથી 8 મોબાઇલ ફોન મળી આવ્યા છે. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે રસ્તે ચાલતા અને ટુ-વ્હીલર પર જતા લોકોના મોબાઇલ ફોન ઝૂંટવ્યા હતા. આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાઓની ખાત્રી કરતાં વડોદરા શહેરના કપુરાઈ, મકરપુરા, પાણીગેટ, સયાજીગંજ અને હરણી પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Share :

Leave a Comments