- સવારની પી.ટી. પરેડ બાદ કપડા બદલતા સમયે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી
- દીપક બારિયાની SRP ગ્રુપ-1માં નિમણૂક થઈ હતી અને તેઓ હાલમાં ગ્રુપ-9 ખાતે તાલીમ લઈ રહ્યા હતા, તેઓ છેલ્લા ચાર અઠવાડિયાથી તાલીમમાં જોડાયેલા હતા
વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાન દીપક દિનેશ બારિયા (ઉંમર.29)નું મોત થયું છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ સવારની પી.ટી.પરેડ બાદ તેમની તબિયત લથડી હતી. બાદમાં કપડા બદલતા સમયે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન મિત્ર સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ તેઓ ઢળી પડ્યા હતા. દીપક બારિયા (ઉં.વ. 29) મૂળ રાજપીપળા નજીકના તિલકવાડાના રહેવાસી છે.

ડોક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા. બાદમાં SSG હોસ્પિટલ રીફર કરાયા હતા જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા. જો કે મૃતકને અગાઉ કોઈ ગંભીર બીમારી હોવા અંગેની માહિતી સામે આવી નથી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરા SRP ગ્રુપ-9માં ઈનચાર્જ સેનાપતિ ડી.બી. બામણીયાએ જણાવ્યું હતું કે, અમારી જૂથ (SRP)ખાતે ગઈ 15 માર્ચથી નવા ભરતી થયેલા જવાનોની તાલીમ શરૂ કરવામાં આવી છે. દીપક દિનેશભાઈ બારીયા નામના જવાન પણ નિમણૂંક પામ્યા હતા. આજે સવારના નિયમ મુજબ PT પરેડનો સમય પૂરો થઈ ગયો હતો. પરેડ બાદ તેઓ ફ્રેશ થઈને, કપડાં બદલીને નાસ્તો કરવા માટે તૈયાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.


