- FSL અને મેડિકલ પુરાવાના આધારે કોર્ટે આરોપી દિપકભાઈ રમેશભાઈ પરમારને સજા ફટકારી
- દંડમાંથી રૂપિયા 45 હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો હુકમ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સગીરાને ભગાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાના વર્ષ 2025ના ગંભીર કેસમાં વડોદરા સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી દિપક રમેશભાઈ પરમાર (ઉં.વ. 28, રહે. પરબડી ફળિયું, ખડોધી, આણંદ)ને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ.50 હજારનો દંડ પણ કર્યો છે. દંડની રકમમાંથી રૂ.45 હજાર ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં આરોપી સામે સગીરાને ભગાડી લઈ જવા તેમજ તેની સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં સજાનો દર વધારવા માટે હાથ ધરાયેલા Conviction Rate Improvement Project અંતર્ગત તપાસને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસ ટીમે કેસ સાથે સંકળાયેલા સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા તેમજ મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા હતા. પુરાવાની ચેઇન ઓફ કસ્ટડી જાળવી રાખીને તપાસ પૂર્ણ કરવામાં આવી હતી અને સમયસર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા સ્પેશ્યલ પોક્સો અને એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ પરેશ સી. પટેલે કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા અને દસ્તાવેજોના આધારે અસરકારક દલીલો રજૂ કરી હતી. પોલીસ તરફથી પણ સરકારી વકીલને જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
કેસની સમગ્ર ટ્રાયલ દરમિયાન રજૂ થયેલા પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાને લીધા બાદ કોર્ટે આરોપી દિપકભાઈ રમેશભાઈ પરમારને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.50 હજારના દંડની સજા ફટકારી છે. આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ એક વર્ષની સખત કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડમાંથી રૂ.45 હજાર ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.


