- નવા કર્મચારીઓને આજે સવારે તાલીમ અપાઇ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પણ જોડાયા
વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલા ફોર્મનું ડિઝિટાઇઝેશનની કરવાની કામગીરીમાં ત્વરિતતા લાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અકોટામાં ફેસિલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ નાગરિકો દ્વારા ભરાયેલા ફોર્મ પરત મળી રહ્યા છે. આ ફોર્મ BLO દ્વારા સ્વીકારવામાં આવે છે. ફોર્મમાં રહેલી વિગતોના આધારે મતદારનું મેપિંગ કરવાની ભારતના ચૂંટણી પંચની સૂચના છે.

આ બાબતને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ બૂથ લેવલ ઓફિસરને મદદ કરવા માટે વડોદરા શહેરની પાંચ વિધાનસભા માટે અકોટા સ્ટેડિયમ પાસે આવેલી કેળવણી ટ્રસ્ટ શાળા સંકુલમાં ફેસિલેશન સેન્ટર શરૂ કર્યું હતું. શહેરની પાંચેય વિધાનસભા માટે વધારાના 50-50 મળી કુલ 250 વધારા કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. જે ડિઝીટાઇઝેશનમાં મદદ કરશે.
આ ઉપરાંત આ સ્ટાફ માટે નાયબ મામલતદારો, મહેસુલી ક્લાર્કના પણ ઓર્ડર કરવામાં આવ્યા છે. નવા કર્મચારીઓને આજે સવારમાં તાલીમ આપવામાં આવી હતી. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સુહાની કેલૈયા પણ જોડાયા હતા. હજુ તા. 22 અને 23ના રોજ શનિવાર અને રવિવારના રોજ એ બે રજાના દિવસોમાં સવારે 9થી 1 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર તેમના મતદાન મથકોમાં બેસશે અને મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં મદદ તથા માર્ગદર્શન આપશે.


