કપૂરાઈ ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે ભાયલીના 23 વર્ષીય યુવકનું મોત, ત્રણ ભત્રીજાઓ પણ ઈજાગ્રસ્ત

3 ભત્રીજાઓ સાથે ખટંબાથી પરત ફરતી વખતે ભાયલીના યુવકની બાઈકને ટક્કર મારી હતી

MailVadodara.com - 23-year-old-youth-from-Bhayli-killed-after-being-hit-by-an-unidentified-vehicle-near-Kapurai-Crossroads-three-nephews-also-injured

- ભાયલી ગામના ખેરિયા ફળિયામાં રહેતા 23 વર્ષીય ભગવાનદાસ નાયક નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો

ભાયલી રહેતો યુવક 7 સપ્ટેમ્બરે 3 ભત્રીજાને લઈ ખટંબા સાઢુભાઈને મળવા બાઈક પર ગયો હતો. ત્યાંથી પરત આવતાં વાઘોડિયા અને કપૂરાઈ ચોકડી વચ્ચે અજાણ્યા ભારે વાહને બાઈકને ટક્કર મારતા ચારેય રોડ પર પટકાયા હતા. જેમાં બાઈકચાલકને માથે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગુરુવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવકના ભાઈએ કપૂરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાયલી ગામના ખેરિયા ફળિયામાં રહેતા 23 વર્ષીય ભગવાનદાસ નાયક નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 7 સપ્ટેમ્બરે બપોરે તેઓ પોતાની 8 વર્ષીય ભત્રીજી અસ્મિતા, 5 વર્ષીય ભત્રીજો અનિશ અને 4 વર્ષીય ભત્રીજો અરુણને બાઈક પર બેસાડીને નીકળ્યા હતા.
સાંજના 6 વાગ્યાના અરસામાં ભગવાનદાસના મોટા ભાઈ મહેશભાઈ પર એક ફોન આવ્યો હતો કે બાઈકચાલકનો અકસ્માત થયો છે અને તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આથી મહેશભાઈ તેમના મિત્ર સાથે તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ભગવાનદાસને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહેશભાઈએ પોતાની દીકરી અસ્મિતાને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, અમે કાકા સાથે ખંટમ્બા ખાતે માસીના ઘરે ગયા હતા. ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. સારવાર દરમિયાન ગુરુવારે સવારે 8 વાગ્યે ભગવાનદાસનું મોત થતાં કપૂરાઈ પોલીસ મથકનો સ્ટાફ પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક ભગવાનદાસના ભાઇ મહેશભાઈએ જણાવ્યું હતું કે, મારા નાના ભાઈના લગ્નને 6થી 7 વર્ષ થયા હતા, પરંતુ તેને સંતાન નહોતું. આ માટે પરિવારે અનેક માનતાઓ માની હતી. ત્યારે અંતે તેની પત્ની ગર્ભવતી થઈ હતી અને હાલ તેની પ્રસુતિનો સમય પણ નજીક આવી રહ્યો છે. જોકે, અનેક માનતાઓ બાદ જે સંતાન આવી રહ્યું છે, તેનું મોઢું જોવા માટે પણ મારો ભાઈ જીવતો ન રહ્યો. આ ઉપરાંત, હાલમાં તેની પત્નીની તબિયત સારી નથી.
ઉલ્લેખનીય છે કે, ભગવાનદાસના ભાઈ મહેશભાઈ ભાયલી ગામમાંથી બાઈક લઈને જઈ રહ્યા હતા. તેઓ ગામના બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે ભગવાનદાસને જોઈને બૂમ પાડી હતી અને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રોકાયો નહોતો. ભગવાનદાસની ભત્રીજીએ પણ કહ્યું હતું કે, કાકા ઊભા રહો, પપ્પા બોલાવે છે, છતાં ભગવાનદાસ ઊભા રહ્યા ન હતા.

Share :

Leave a Comments