- ઘટનાની જાણ થતાં લોકલ પોલીસની સાથે LCB અને SOG પર સ્થળો દોડી ગઈ હતી
- એફએસએલ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર નજીક લામડાપુરા કેનાલ પાસે 16 જુલાઈની મોડી રાત્રે રણજીત નામના યુવકે રિવોલ્વરથી પોતાની છાતીમાં ગોળી મારી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળી માર્યા બાદ હથિયાર કેનાલમાં ફેંકી દીધું હતું અને રોડ પર લોહીલુહાણ હાલતમાં કણસતો મળી આવ્યો હતો.
પારિવારિક ઝઘડાથી કંટાળીને તેણે પોતાની જાત પર ફાયરિંગ કર્યું હોવાનું પોલીસને પ્રાથમિક અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાર બાદ તેને સયાજી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આત્મહત્યાનો પ્રયાસ કરનાર રણજીત મૂળ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાનો વતની છે. તેણે આત્મહત્યાના પ્રયાસ પહેલા પરિવાર તથા પત્ની નંદીનીને સંબોધીને એક ચિઠ્ઠી પણ લખી છે. આ ચિઠ્ઠીમાં તે નંદીનીને કેટલો પ્રેમ કરતો હતો તેવી લાગણી વ્યક્ત કરી સાથે સાથે લખ્યું કે, મૈં મૌત સે પહલે સાફ કહું મેરી વાલીને ગદ્દારી કી હૈ. ઉલ્લેખનીય છે કે રણજીત અને નંદીનીએ ભાગીને મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા.
યુવકની માતા સુમિત્રાબેને જણાવ્યું કે, રણજીત સાંજે ડ્યુટી પર ગયો હતો અને રાત્રે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો ત્યારે જ આ ઘટનાની જાણ થઈ, પરંતુ શરૂઆતમાં શું થયું હતું તેની કોઈ સ્પષ્ટ માહિતી નહોતી. રણજીતે હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ આ નવી કંપનીમાં નોકરી શરૂ કરી હતી, જ્યારે જૂની નોકરી બે મહિના પહેલાં છોડી દીધી હતી.
મારા દીકરાએ નંદીની નામની યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પછી નંદીનીના પિયર પક્ષના લોકો જે મકાનમાં ભાડે રહેતા હતા તે મકાન માલિક રણજીત પર દાદાગીરી કરતો હતો અને તેને ત્યાં ન આવવા માટે તેમજ જો તે દેખાશે તો મારી નાખવાની ધમકી આપતો હતો.
આ ચોંકાવનારી ઘટનાના પગલે મંજુસર પોલીસ સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે કેનાલની આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. આ સાથે જ ઘટનાની તપાસ કરવા માટે એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે, જેણે સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. આ મામલે પોલીસે હાલ આત્મહત્યાના પ્રયાસનો ગુનો નોંધીને યુવકે વાપરેલું હથિયાર ક્યાંથી આવ્યું અને કેનાલમાં કઈ જગ્યાએ ફેંકાયું છે તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.


