વડોદરામાં 2406 મતદાન મથકો પર 21.95 લાખ મતદારો મતદાન કરશે, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ

વડોદરામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી યોજાશે

MailVadodara.com - 21-95-lakh-voters-will-vote-at-2406-polling-stations-in-Vadodara-preparations-are-complete-by-the-administration

- મહાનગરપાલિકાની 8 બેઠકો અને ડભોઇ નગરપાલિકામાં 14થી વધુ ઉમેદવાર હોવાથી બે બેલેટ યુનિટ ફાળવાશે, વડોદરા જિલ્લામાં મતદાન માટે તંત્ર સંપૂર્ણ સજ્જ

- 13 હજારથી વધુ સ્ટાફ, 7939 પોલીસ જવાનો તહેનાત, રવિવારે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે, હાલ સુધીમાં આચાર સંહિતાની 20 ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો

વડોદરા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિગતવાર આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજથી પ્રચાર કાર્ય પર રોક લાગી જશે અને રવિવારે સવારથી મતદાન પ્રક્રિયાનો આરંભ થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. શહેર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સોશિયલ મીડિયા અને શહેરની 70થી વધુ LED ડિસ્પ્લે પર જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ચૂંટણી અંગે માહિતી આપવામાં આવી હતી. વડોદરામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જિલ્લામાં કુલ 2406 મતદાન મથકો મંજૂર કરવામાં આવ્યા છે, જ્યાં 21,95,738 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 11,16,243 પુરુષો, 10,79,384 સ્ત્રીઓ અને 111 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણી ઈ.વી.એમ. દ્વારા યોજાનાર હોવાથી જિલ્લા કક્ષાએથી 5442 બેલેટ યુનિટ અને 4290 કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાની 8 બેઠકો અને ડભોઈ નગરપાલિકામાં ઉમેદવારોની સંખ્યા 14 થી વધુ હોવાથી ત્યાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી સામગ્રીના વિતરણ અને સ્વીકાર માટે જિલ્લામાં 18 ડિસ્પેચિંગ-રીસિવિંગ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. ચૂંટણી ફરજ પરના સ્ટાફ માટે 5623 પોસ્ટલ બેલેટ ઇશ્યૂ કરાયા હતા, જેમાંથી 2652 પોલીસ સ્ટાફનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.

સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે 13,234 પોલિંગ સ્ટાફ અને 7,939 પોલીસ જવાનોની નિમણૂક કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 2487 હથિયારો જમા લેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા 26 એપ્રિલના રોજ મતદાન અને 28 એપ્રિલના રોજ મતગણતરી માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયા અને એલઈડી ડિસ્પ્લે દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

26 એપ્રિલ 2026ના રોજ મતદાન થશે અને 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર 0265-2427592 જાહેર કરાયો છે. આ ઉપરાંત, સ્ટાફ માટે મેડિકલ કીટ અને ઈમરજન્સી આરોગ્ય સેવાઓની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વડોદરા શહેરી વિસ્તારમાંથી 1829 અને ગ્રામ્યમાંથી 658 હથિયારો જમા લેવામાં આવ્યા છે. હાલ સુધીમાં આચારસંહિતા ભંગની મળેલી 20 ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments