બાઇક પર પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડી 2 બાઈકસવાર ફરાર

ગોત્રી વિસ્તારની જલધારા સોસાયટીમાં રહેતા કસ્તુરબા ઉર્ફે કાજલબેન મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 2-bikers-absconded-after-breaking-a-gold-mangalsutra-from-the-neck-of-a-woman-riding-a-bike-with-her-husband

- બાઇકસવાર બે ઇસમો પૈકી પાછળ બેઠેલા ઇસમે ચાલુ બાઇકે મહિલાએ પહેરેલું 51 હજારની કિંમતનું 7 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર પકડીને તોડી લઇ યોગા સર્કલ તરફ ભાગી ગયા હતા

વડોદરા શહેરમાં બાઇક પર પતિ સાથે જઈ રહેલી મહિલાના ગાળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીને બાઇક પર આવેલા 2 શખ્સ ભાગી છૂટ્યા હતા. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જલધારા સોસાયટીમાં રહેતા કસ્તુરબા ઉર્ફે કાજલબેન નિલેશકુમાર મિસ્ત્રી, (ઉં.વ.28)એ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 07/06/2025ના રોજ હું અને મારા પતિ મારા પિયરમાં ગયા હતા. ત્યાં જમીને રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ અમે બાઇક લઇને ઘરે પરત ફરી રહ્યા હતા. થોડો સમય હોવાથી અમે યોગા સર્કલથી ફરીને ઘરે જવાનું નક્કી કર્યું હતું. અમે ઘડિયાળ સર્કલથી યોગા સર્કલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, પંજાબ નેશનલ બેંક પાસેથી આગળ જતાં એક અજાણ્યા બાઇક સવારે અમારી બાઇક પાછળ હોર્ન મારવાનું શરૂ કર્યું હતું.

મારા પતિએ તેને સાઇડ આપી હતી. તે સ્પોર્ટ્સ બાઇક પર બે ઇસમો બેઠેલા હતા. પાછળ બેઠેલા ઇસમે ચાલુ બાઇકમાં મારા ગળામાં પહેરેલું 51 હજાર રૂપિયાની કિંમતનું 7 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર પકડીને તોડી લીધું હતું અને તેઓ યોગા સર્કલ તરફ ભાગી ગયા હતા. રાત્રિનો સમય હોવાથી અમે ઘરે ગયા હતા અને ત્યારબાદ મેં આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments