- માવો, ગોળ, વેનીલા આઈસ્ક્રીમ, તુવેર દાળ, પનીર તેમજ હળદર પાવડર સહિત કુલ 19 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ 'સબ સ્ટાન્ડર્ડ' એટલે કે ગુણવત્તા વિહીન માલૂમ પડ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત કામ કરતા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાદ્ય પદાર્થોના રીટેલર, હોલસેલર, રેસ્ટોરન્ટ તેમજ રસ્તા પર ઉભી રહેતી ખાણી-પીણીની લારીઓ પર કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમો દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના આ પૃથ્થકરણ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં માવો, ગોળ, વેનીલા આઈસ્ક્રીમ, તુવેર દાળ, પનીર તેમજ હળદર પાવડર સહિત કુલ 19 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ 'સબ સ્ટાન્ડર્ડ' એટલે કે ગુણવત્તા વિહીન માલૂમ પડ્યા છે. રોજીંદા વપરાશમાં લેવાતી આ વસ્તુઓમાં ભેળસેળ અથવા તો નિર્ધારિત ધોરણો મુજબની ગુણવત્તા ન જળવાઈ હોવાનું સામે આવતા પાલિકાના આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીરતાથી લીધી છે.
આ તમામ 19 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ થતાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત ફુડ બિઝનેસ ઓપરેટરો (FBOs) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભેળસેળયુક્ત કે નિમ્ન કક્ષાનો ખોરાક વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક દંડાત્મક પગલાં લેવા તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ આગળની કાનૂની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પાલિકાની આ ત્વરિત અને કડક કામગીરીથી અપ્રમાણિક વેપારીઓમાં ફાળ પડી છે, જ્યારે તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારનું ચેકિંગ સઘન રીતે ચાલુ રહેશે.
ખાદ્યચીજોના લેવામાં આવેલા નમૂનાઓની તપાસ દરમિયાન 19 નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. જેમાં ગેરી રોડ-ગોત્રી ખાતે શ્રીરામકૃપા એન્ટરપ્રાઈઝમાંથી માવો, ગોત્રી રોડના સહજાનંદ સુપર સ્ટોરમાંથી ગોળ, વાઘોડિયા રોડની કમલા એન્ટરપ્રાઈઝમાંથી વેનીલા આઈસ્ક્રીમ, આજવા રોડની દયા આઈસ ફેક્ટરીમાંથી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને મકરપુરાના ન્યુ મહાલક્ષ્મી સુપર માર્કેટમાંથી તુવેરદાળનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ મળ્યો છે.
સમા-સાવલી રોડની શ્રીનાથજી ડેરી ફાર્મમાંથી પનીર, સમતા ચાર રસ્તા પાસે શેટ્ટીસ કીચનમાંથી રવા ધી પૌડી ઢોસા, છાણી રોડના શ્રી સાંઈ સુરતી ઢોસામાંથી પનીર તથા છાણીની ગુજરાત આઈસ્ક્રીમ એન્ડ કૂલ્ફીમાંથી આઈસ્ક્રીમ રોઝ અને કાજુદ્રાક્ષ આઈસ્ક્રીમના નમૂનાઓ પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.
આ ઉપરાંત છાણી રોડના અમૃતસરી કુલચામાંથી ફ્રેશ પનીર મીડીયમ ફેટ, સંગમ ચાર રસ્તાની મૃદા એન્ટરપ્રાઈઝમાંથી આઈસ્ક્રીમ, સયાજીપુરાની ભાનુ સેલ્સમાંથી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર, અનામીકા એન્ટરપ્રાઈઝમાંથી આઈસ્ક્રીમ અને એલેમ્બિક રોડના અર્બન વેન્ચર્સમાંથી પનીરનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ મળ્યો છે.
પ્રતાપનગરના માધવજી મસાલા મીલમાંથી હળદર પાવડર, મકરપુરાની માતેશ્વરી આઈસ્ક્રીમમાંથી આઈસ્ક્રીમ, વાસણા રોડના શિવ ફરસાણમાંથી સેવ અને ફતેગંજના શ્રી જનતા આઈસ્ક્રીમમાંથી આઈસ્ક્રીમના નમૂનાઓ પણ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે.


