અમદાવાદ-મુંબઈ હાઈ-વે પર ટ્રકમાં ખીચોખીચ ભરીને કતલખાને લઈ જતા 16 પશુઓ બચાવાયા

જીવદયા કાર્યકર્તાઓ ક્રિષ્ણા હોટલની બહાર પશુઓની હેરાફેરી કરતા વાહનોની વોચમાં ઊભા હતા

MailVadodara.com - 16-animals-rescued-from-truck-crammed-to-slaughterhouse-on-Ahmedabad-Mumbai-highway

- જીવદયા કાર્યકર્તાઓએ ખીચોખીચ ભરેલા આઈસર ટ્રકનો પીછો કરી જામ્બુવા રોડ પર રોક્યો, આઈસર ટ્રકમાં નેટ બાંધેલ પશુઓ ભરેલા હોવાની શંકા ગઇ, 6.40 લાખનો મુદ્દામાલ જપ્ત

- ટ્રક ચાલક અને ક્લીનરને હાજર લોકોએ લાકડી અને ગડદાપાટુ માર માર્યો, ટ્રક ચાલકે માર મારનાર અજાણ્યા ચાર લોકો સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર ટ્રકમાં ખીચોખીચ ભરીને કતલના ઇરાદે લઇ જવાતા 16 પશુઓને જીવદયા સંસ્થાના કાર્યકરોએ બચાવી લીધા છે. કપુરાઇ પોલીસે પશુઓ અને ટ્રક મળીને 6.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પોલીસે કતલખાને પશુઓને લઇ જતા ટ્રક ચાલક અને ક્લીનર ધરપકડ કરી છે. બીજી તરફ ટ્રક ચાલક અને ક્લીનરને માર મારતા અજાણ્યા ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.


વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલી શ્રીરામનગર સોસાયટીમાં રહેતા સતિષભાઈ શનાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, છેલ્લા 8 વર્ષથી પ્રાણીન ફાઉન્ડેશનમાં જીવદયા કાર્યકર તરીકે સેવા આપુ છું. હું, અંકિતકુમાર જનકભાઈ, જીતુભાઈ પ્રકાશભાઈ ચૌધરી તથા રાજુભાઈ જેઠાભાઈ ભરવાડ સાથે કપુરાઈ ચોક્ડી ક્રિષ્ણા હોટલની બહાર રોડ તરફ ઉપર પશુઓની હેરાફેરી કરતા વાહનોની વોચમાં આવી ઉભા રહ્યાં હતા. આ દરમિયાન સાંજના 7.30 વાગ્યાના અરસામાં ડભોઈ તરફથી એક આઈસર ટ્રક આવ્યો હતો. જેમાં નેટ બાંધેલ હોવાથી તેમાં પશુઓ ભરેલા હોવાની શંકા ગઇ હતી.

અમે આ ટ્રકને ઉભી રખાવવા માટે હાથ કર્યો હતો પરંતુ, ચાલકે ઉભી નહી રાખી ટ્રક્ને નેશનલ હાઈ-વે પર કપુરાઈ બ્રિજ થઈ સુરત તરફ ઉપર દોડાવી હતી. જેથી, અમે ટ્રક્નો પીછો કરીને જામ્બુવા રોડ પર રાત્રીના 8.15 વાગ્યે રોકી લીધો હતો અને આઈસર ટ્રકમાં ડ્રાઇવર અને ક્લીનર પાડ્યા હતા. ત્યારબાદ બંને શખ્સ શહજાદ શબાન શાહ (રહે. તાપી) અને એક સગીર (રહે, તાપી) ટ્રકમાં શું ભરેલ છે તેમ પુછતા તેઓએ પશુઓ ભરેલ છે તેમ જણાવતા નેટ હટાવી જોતા 16 પશુઓ ક્રૂરતાપુર્વક બાંધેલા હતા.

આ પશુઓને બચાવીને વડોદરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેથી કપુરાઇ પોલીસે 16 પશુઓ અને ટ્રક મળીને 6.40 લાખનો મુદ્દામાલ કબજે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ પશુઓને ભરીને લઈને રહેલા ટ્રક ચાલક અને ક્લીનરને ત્યાં હાજર લોકોએ લાકડી અને ગડદાપાટુ માર માર્યો હતો, જેથી ટ્રક ચાલકે અજાણ્યા ચાર લોકો સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments