- જીન્સ-ટીશર્ટ પહેરી નીકળેલી સગીરાનો પત્તો ન લાગતા પરિવારજનોએ ફતેગંજ પોલીસની મદદ લીધી હતી
- ફતેગંજ પોલીસે જુદી જુદી ટીમો બનાવી 150થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, વિદ્યાર્થીની બસ ડેપો ખાતે અમદાવાદની બસમાં બેસતા પોલીસની ટીમ તાત્કાલિક અમદાવાદ પહોંચી હતી
રાજસ્થાનમાં 13 વર્ષીય સગીરાનો કિસ્સો દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે તેવા સમયે વડોદરામાં 14 વર્ષીય સગીરાએ ભરેલા અવિચારી કૃત્યનો વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
વડોદરામાં સમા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીનીને તેના વાલીએ મોબાઇલ બાબતે ઠપકો આપી અભ્યાસમાં ધ્યાન આપવા માટે કહેતા સગીરાને લાગી આવ્યું હતું અને કોઈ પણ વિચાર કર્યા વગર સાંજે ઘર છોડીને પલાયન થઈ ગઈ હતી.
જીન્સ અને ટીશર્ટ પહેરી નીકળી ગયેલી વિદ્યાર્થીનીને શોધવા માટે પરિવારજનો અને સગા સંબંધી કામમાં લાગ્યા હતા પરંતુ તેનો કોઈ પતો નહીં લાગતા ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇની મદદ લીધી હતી. બનાવની ગંભીરતા જોતા પી.આઈએ જુદી જુદી ટીમો બનાવી હતી અને 150 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
આ દરમિયાન વિદ્યાર્થીની બસ ડેપો ખાતે ટ્રેક થઈ હતી અને અમદાવાદની બસમાં બેસતા પોલીસની એક ટીમ તાત્કાલિક અમદાવાદ પહોંચી હતી તેમજ ત્યાંની પોલીસની પણ મદદ લઈ સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઇલ સર્વેન્સના આધારે તપાસ કરી હતી. આ દરમિયાન મધરાત્રે ઇસનપુર ખાતે ચાની લારી ઉપર બેઠેલી વિદ્યાર્થીનીને પોલીસે શોધી કાઢી હતી. રાત્રિ દરમિયાન એકલી નીકળી જઈ અવિચારી પગલું ભરનાર વિદ્યાર્થીની સુરક્ષિત રીતે મળી આવતા પોલીસ અને પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.


