વડોદરા મનપાના 136 કર્મીઓને યુનિફોર્મ અપાયા, વર્ગ 1થી 4ના તમામ કર્મચારીઓ માટે યુનિફોર્મ ફરજિયાત

કોર્પોરેશનમાં કર્મચારીઓની ઓળખ સરળ બનાવવા યુનિફોર્મ વ્યવસ્થા શરૂ કરવામાં આવી

MailVadodara.com - 136-employees-of-Vadodara-Municipal-Corporation-were-given-uniforms

- વર્ગ 1 અને 2ના અધિકારીઓ માટે ગણવેશ મંગાવાયા, તેમાં પેર દીઠ આશરે રૂ. 770 જેટલો ખર્ચ થયો

- વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે પણ ડ્રેસ મટીરીયલ મંગાવી લેવામાં આવ્યું

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહીવટી તંત્રમાં વધુ શિસ્ત, એકરૂપતા અને વ્યવસાયિકતા લાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ગ 1થી 4ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ માટે ફરજિયાત ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી પહેલ હેઠળ પાલિકાના તમામ સ્તરના કર્મચારીઓને નિર્ધારિત ગણવેશ પૂરો પાડવાની કામગીરી તબક્કાવાર શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કાના ભાગરૂપે, મહાનગરપાલિકાના વર્ગ 1 અને વર્ગ 2ના કુલ 136 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને ડ્રેસનું વિતરણ સત્તાવાર રીતે કરી દેવામાં આવ્યું છે.

કોર્પોરેશનમાં આગામી સમયમાં બાકી રહેતા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે પણ ડ્રેસ મટીરીયલ મંગાવી લેવામાં આવ્યું છે, જે ટૂંક જ સમયમાં તમામ કર્મચારીઓને સુપ્રત કરવામાં આવશે જેથી સમગ્ર કોર્પોરેશનમાં એક સમાન ડ્રેસ કોડ લાગુ કરી શકાય. કોર્પોરેશનમાં આવતા અરજદારોને કર્મચારીઓની અલગ ઓળખ થઈ શકે આ ઉપરાંત શહેરમાં વિવિધ વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓની પણ અલગ ઓળખ ઊભી કરવાનો પ્રયાસ છે.

આ પ્રોજેક્ટના નાણાકીય પાસાઓની વાત કરીએ તો, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી ખૂબ જ આયોજનબદ્ધ રીતે અને મર્યાદિત ખર્ચમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાલિકાના સ્ટોર વિભાગના કાર્યપાલક ઇજનેર નિલેશ પરમારે જણાવ્યું હતું કે, હાલમાં જે વર્ગ 1 અને 2ના અધિકારીઓ માટે ગણવેશ મંગાવવામાં આવ્યા છે, તેમાં પેર દીઠ આશરે રૂ. 770 જેટલો વ્યાજબી ખર્ચ થયો છે.

વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટેનું મટીરીયલ પણ આવી ગયા બાદ સમગ્ર કોર્પોરેશન સ્તરે આ ખર્ચની વિગતો આખરી કરવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ કોર્પોરેશનની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને જાહેર જનતા વચ્ચે પાલિકાની એક વિશિષ્ટ ઓળખ ઊભી કરવાનો છે. જ્યારે કોર્પોરેશનના કર્મચારીઓ ડ્રેસમાં સજ્જ હશે, ત્યારે સામાન્ય નાગરિકો માટે પાલિકાના સત્તાવાર પ્રતિનિધિઓને ઓળખવાનું અત્યંત સરળ બનશે.

ફિલ્ડ વર્ક અથવા ઓફિસ કામગીરી દરમિયાન, પોલીસ વિભાગની જેમ જ મહાનગરપાલિકાની ટીમ પણ પોતાના યુનિફોર્મને કારણે અલગ તરી આવશે. આ વ્યવસ્થાથી નાગરિકો છેતરપિંડી કે ગેરસમજથી બચી શકશે અને તેમને ખ્યાલ રહેશે કે તેઓ વડોદરા મહાનગરપાલિકાની અધિકૃત ટીમ સાથે વાતચીત કરી રહ્યા છે. આ બદલાવ માત્ર નાગરિકોની સુવિધા માટે જ નહીં, પરંતુ કર્મચારીઓમાં પણ ફરજ પ્રત્યેની જવાબદારી અને એકતાની ભાવના મજબૂત કરશે, જેનાથી અંતે કોર્પોરેશનની સેવાની ગુણવત્તામાં સકારાત્મક સુધારો જોવા મળશે.

Share :

Leave a Comments