- બાળકીએ બુરખામાં પીન લગાવતી વખતે આશરે 4 સેન્ટીમીટર લાંબી પિન મસ્તીમાં તેને મોંમાં પકડી રાખી હતી, અચાનક પિન ગળી જતાં શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ હતી
વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં વધુ એક 13 વર્ષીય ભરૂચની બાળકીની જીવલેણ સ્થિતિમાંથી સફળ સર્જરી કરીને તબીબોએ તેનો જીવ બચાવ્યો છે. ભરૂચની રહેવાસી 13 વર્ષીય બાળકી બુરખા (હિજાબ)માં પિન લગાવતી વખતે મસ્તીમાં તેને મોંમાં પકડી રાખતી હતી. અચાનક તે પિન ગળી ગઈ હતી, ત્યારબાદ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી.

બાદમાં બાળકીને શરૂઆતમાં ભરૂચ હોસ્પિટલમાં અને ત્યારબાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તપાસ કરતા બાળકીને 4 સેન્ટીમીટર લાંબી પિન તેની શ્વાસનળીમાં ફસાઈ જતા શ્વાસ રુંધાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પરિવારજનોને બાળકીને ભરૂચ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવી હતી.
બાળકીના જીવન પર મોટું જોખમ હતું. હોસ્પિટલના ENT વિભાગના નિષ્ણાત તબીબોએ તાત્કાલિક સર્જરી કરી હતી અને બાળકીને અડધા કલાકની સર્જરી બાદ બ્રોન્કોસ્કોપીની મદદથી પિનને શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી હતી.
આ સાથે સયાજી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે. તબીબોએ વાલીઓને ચેતવણી આપી છે કે, નાનાં બાળકોને પિન, સિક્કા કે નાની વસ્તુઓ મોંમાં ન લેવા દેવી, કારણ કે આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ બાળકીની સ્થિતિ હાલમાં સુધારા પર છે. આ વાલીઓ માટે ફરી લાલબત્તી સમાનકિસ્સો સામે આવ્યો છે.


