- મિકેનિકલ 47, ઈલેક્ટ્રિકલ 49 સાથે આગેવાન; પેટ્રોકેમિકલ 13, સિવિલ 2 સહિત સરેરાશ 2.80 થી 3.60 લાખ પેકેજ મળ્યા, 42 કંપનીઓ પોલીટેકનિકમાં ઈન્ટરવ્યૂ માટે આવી
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં વર્તમાન શૈક્ષણિક વર્ષમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા ૨૭૫ વિદ્યાર્થીઓએ કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પૈકી ૧૧૩ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે.
અત્યાર સુધીમાં ૪૨ કંપનીઓ પોલીટેકનિકમાં ઈન્ટરવ્યૂ માટે આવી છે અને બીજી ૧૦ જેટલી કંપનીઓના ઈન્ટરવ્યૂ યોજાવાના બાકી છે. પોલીટેકનિકના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર અશોક નકુમે કહ્યું હતું કે, સૌથી વધારે મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. આ બંને વિભાગના વિદ્યાર્થીઓને સરેરાશ ૩ થી ૩.૫૦ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે. જ્યારે સૌથી વધારે ૪.૮૦ લાખ રૂપિયાની સેલેરી મિકેનિકલ એન્જિનિયરિંગની બે અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એક વિદ્યાર્થિનીને મળી છે.
ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મિકેનિકલ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચના વિદ્યાર્થીઓની જોબ માર્કેટમાં સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે, ઘણા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવવા માટે આગળ અભ્યાસ કરવાનું પસંદ કરતા હોય છે અને તેના કારણે પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે. સાથે સાથે કંપનીઓ ફર્સ્ટ ક્લાસ મેળવનારા વિદ્યાર્થીઓને નોકરી માટે પહેલી તક આપે છે, જ્યારે પોલીટેકનિકમાં પરીક્ષા અને પેપર ચેકિંગના ધોરણો આકરા હોવાથી પ્રમાણમાં ઓછા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ મેળવી શકે છે.
વિભાગ મુજબ પ્લેસમેન્ટની વિગતો મુજબ મિકેનિકલમાં ૪૭ વિદ્યાર્થીઓને સરેરાશ ૩.૨૫ લાખનું પેકેજ, ઈલેક્ટ્રિકલમાં ૪૯ વિદ્યાર્થીઓને ૩.૨૫ લાખ, પેટ્રોકેમિકલમાં ૧૩ વિદ્યાર્થીઓને ૩.૬૦ લાખ, સિવિલમાં ૨ વિદ્યાર્થીઓને ૨.૮૦ લાખ, જ્યારે આઈટી અને કોમ્પ્યુટર વિભાગમાં એક-એક વિદ્યાર્થીને સરેરાશ ૩ લાખનું પેકેજ મળ્યું છે.


