- વડોદરામાં 37 દિવસમાં 112 જનરક્ષક વાનને 6654 કોલ મળ્યાં હતા જેમાંથી 5790 કોલના સ્થળ પર 9 મિનિટમાં મદદ પહોંચી ગઇ હતી
સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ ઇમર્જન્સી સહિતની સંકલિત સેવાઓ ( 100, 101, 108, 1098, 1077, 181 હેલ્પ લાઈન) 112 જનરક્ષક વાન ટેક્નોલોજીના માધ્યમથી તમામ શહેર અને જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સાથે જોડવામાં આવ્યો છે. ઘટના સ્થળે પોલીસ ઇમર્જન્સીમાં ઝડપી મદદ પૂરી પાડવા માટે 2 સપ્ટેમ્બર 2025ના રોજથી રાજ્ય વ્યાપી અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરમાં 37 દિવસમાં 6654 કોલ મળ્યાં જેમાંથી 5790 કોલના સ્થળ પર 9 મિનિટમાં મદદ પહોંચી ગઇ હતી.
વડોદરા શહેરમાં 30 જનરક્ષક વાન કાર્યરત કરવામાં આવી છે. જેના માધ્યમથી વડોદરા શહેર વિસ્તારમાં પોલીસ ઈમરજન્સીના કિસ્સામાં નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. વડોદરા શહેરના નાગરીકો તરફથી અત્યાર સુધી 6654 કોલ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ 112 હેલ્પ લાઈન ઉપર કરવામાં આવ્યાં છે. જેમાંથી 5790 જેટલા કોલને ઇમર્જન્સી કેટેગરીમાં સમાવિષ્ટ કરીને 112 જન રક્ષકવાન તરફથી અટેન્ડ કરવામાં આવ્યાં છે અને આ તમામ કિસ્સામાં એવરેજ 9 મિનિટની સમય મર્યાદામાં પોલીસ મદદ કરવા માટે સ્થળ પર પહોંચી ગઇ છે, જે સમગ્ર રાજયમાં સૌથી ઓછો રીસ્પોન્સ ટાઈમ હાંસલ કરીને પ્રથમ ક્રમાંક મેળવવામાં આવ્યો છે.
112 નંબર ડાયલ કરનારનું લોકેશન ઓટોમેટિક પોલીસ જનરક્ષક વાનને મળતું હોવાથી તાત્કાલિક પોલીસ મદદ પૂરી પાડી શકાય છે. એક કિસ્સામાં જનરક્ષક વાનને કોલ મળ્યો હતો. એક અજાણ્યા અસ્થિર મગજના મહિલા મળી આવ્યા હતા. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાને જનરક્ષક વાનમાં બેસાડી કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા.
જ્યારે બીજા કિસ્સામાં એક હતાશ મહિલાના પતિ ઘરેથી આત્મહત્યા કરવા જાઉં છું, તેમ કહીને નીકળી ગયા હતા. તાત્કાલિક 112 જનરક્ષક વાન તરફથી તેમના પતિનો ફોટોગ્રાફ મેળવીને વડોદરા શહેરની તમામ 30 જનરક્ષક વાનને શોધવા માટે મોકલી અપાઇ હતી. દરમિયાન તેમના પતિને 112 જનરક્ષક વાન તરફથી હેમખેમ શોધી કાઢી ને સહી સલામત તેઓના ઘરે પરત મોકલી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આમ, વડોદરા શહેર ખાતે કાર્યરત 30 જન રક્ષકવાન તરફથી ઝડપી અને અસરકારક પોલીસ મદદ ઓછામાં ઓછા સમયમાં પૂરી પાડવામાં આવી રહી છે.


