વડોદરામાં ઢાઢર નદીમાં 11 મગર દેખાયા, વાસણા-ભાયલી અને તાંદલજા વિસ્તારમાં મગર જોવા મળ્યાં

ચોમાસાની શરૂઆત થતા જ વડોદરા જિલ્લામાં મગરોના દેખાવથી ગ્રામજનો-શહેરીજનોમાં ફફડાટ

MailVadodara.com - 11-crocodiles-spotted-in-the-Dhadhar-River-in-Vadodara-crocodiles-were-seen-in-the-Vasna-Bhayli-and-Tandalja-areas

- તાંદલજાના તળાવમાં મગર જોવા મળતાં વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

- વાસણા-ભાયલી રોડ પર આવેલા બંગલોઝમાંથી રાત્રે 9 ફૂટના મગર રેસ્ક્યૂ કરાયું

- પાદરા-કરજણ રોડ પર આવેલા કોઠવાડા ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીના પાણીમાં એકસાથે અનેક મગરોનું ઝુંડ તરતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ચોમાસાની શરૂઆત થતા જ વડોદરામાં નદી કાંઠા વિસ્તારમાં મગરોએ દેખા દેવાની શરૂઆત કરી દીધી છે. શહેરના તાંદલજા અને વાસણા-ભાયલી રોડ પર 2 મગર જોવા મળ્યા હતા. જ્યારે ઢાઢર નદીમાં એક સાથે 11 જેટલા મગરનું ઝુંડ જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. નદી કાંઠા વિસ્તારમાં મગરો દેખાતા લોકો અને પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

વડોદરા જિલ્લાના પાદરા-કરજણ રોડ પર આવેલા કોઠવાડા ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીના પાણીમાં એકસાથે અનેક મગરોનું ઝુંડ તરતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં નદીના વહેણમાં નાના-મોટા અસંખ્ય મગરો એકસાથે જોવા મળી રહ્યા છે, જેને કેમેરામાં કેદ કરવા માટે પુલ પરથી પસાર થતા વટેમાર્ગુઓ અને સ્થાનિકોના ટોળાં ઉમટ્યા હતા.

વડોદરામાં મગરોનો આતંક વધ્યો! ઢાઢર નદીમાં 11 મગર એકસાથે દેખાતા લોકોમાં ફફડાટ

ઢાઢર નદીમાં મગરોની આટલી મોટી સંખ્યાને પગલે આસપાસના ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને નદી કાંઠે જતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકોને નદીના પાણીથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.


વડોદરા શહેરના પોશ ગણાતા વાસણા-ભાયલી રોડ પર આવેલ 'ગેલેક્સી બંગલોઝ' ખાતે ગઈકાલે રાત્રે એક મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. અંદાજે 9 ફૂટ લાંબો મગર સોસાયટીના આંતરિક રોડ પર આરામથી નાઇટ 'વોક' કરતો જોવા મળ્યો હતો. જેને પગલે રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બંગલાની બહાર મગરને જોઈને લોકોમાં ભારે નાસભાગ અને ફફડાટ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે જીવદયા સંસ્થા 'ગૌ રક્ષા સેવા સમિતિ' અને વન વિભાગને આ અંગે જાણ કરી હતી. વન વિભાગ અને સંસ્થાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આ 9 ફૂટના મહાકાય મગરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી તેને પાંજરે પૂર્યો હતો, જેથી રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.


બીજી તરફ, વડોદરા શહેરના તાંદલજા ગામના બસ સ્ટેન્ડ નજીક રહેણાંક વિસ્તારની એકદમ મધ્યમાં આવેલા તળાવમાં પણ એક વિશાળકાય મગર દેખાતા લોકો ફફડી ઉઠ્યા છે. આ તળાવની આસપાસ મોટી સંખ્યામાં સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ અને રહેણાંક મકાનો આવેલા છે, જ્યાં નાનાં બાળકો પણ રમતાં હોય છે. ચોમાસામાં પાણીનું સ્તર વધતાં મગર સીધો સોસાયટીઓમાં ઘૂસી જવાની દહેશત છે. હાલ પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે તાંદલજાના સ્થાનિકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે અને અહીં રાત્રિ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવી જ રીતે વડોદરા નજીકના પાદરા-ઘાયજ રોડ ઉપર પણ એક મહાકાય રોડ પર લટાર મારતો હોય તેવો વીડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે વડોદરામાં વિશ્વામિત્રી નદી અને આસપાસના કોતરોમાં મગરોનો વસવાટ સામાન્ય છે, પરંતુ હવે આ મગરો માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા હોવાથી કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે. તાંદલજાના રહીશોએ પણ વન વિભાગને તાકીદે તળાવ કિનારે પાંજરું ગોઠવીને આ મગરને રેસ્ક્યૂ કરવા અને કોઈ સુરક્ષિત કુદરતી આવાસમાં ખસેડવા ઉગ્ર માંગ કરી છે.

વડોદરાના આરએફઓ અનિતાબેન બારીયાએ કહ્યું છે કે, ફોરેસ્ટ વિભાગની ટીમો રાત-દિવસ તૈનાત હોય છે અને કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. જેથી મગર કે અન્ય જળચર જીવના રેસક્યુ માટે ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવાથી મદદ મળી રહેશે. આ ઉપરાંત જીવદયા સંસ્થાના કાર્યકરોએ પણ તેમનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Share :

Leave a Comments