દરજીપુરા આરટીઓમાં એક વર્ષમાં 1.38 લાખ ફેસલેસ અરજીઓનો નિકાલ, ભીડમાં ઘટાડો

ફેસલેસ આરટીઓ સેવાથી નાગરિકોને ઘેર બેઠા સરળતા

MailVadodara.com - 1-38-lakh-faceless-applications-disposed-of-in-a-year-at-Darjipura-RTO-congestion-reduced

- 1.31 લાખથી વધુ અરજીઓ મંજૂર; લાયસન્સમાં 78 હજાર અને વાહન સંબંધિત 53 હજાર અરજીઓ, વર્ષ દરમિયાન 1.53 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન

લાયસન્સ અને વાહન સંબંધિત ઓનલાઇન ફેસલેસ સુવિધાનો નાગરિકો ઘેર બેઠા લાભ લઈ રહ્યા છે. દરજીપુરા આરટીઓ કચેરી ખાતે છેલ્લા એક વર્ષમાં ૧.૩૮ લાખથી વધુ ફેસલેસ અરજીઓનો નિકાલ કરાયો છે. ડિજિટલ વ્યવસ્થાથી આરટીઓ કચેરી પર કામનું ભારણ ઘટયું છે. સાથે ભીડ પણ ઓછી થઈ છે.

ગત નાણાકીય વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન લાયસન્સ અને વાહન સંબંધી  ફેસલેસ ૧,૩૮,૦૭૨ અરજીઓ ઓનલાઈન થઈ હતી, જે પૈકી ૧,૩૧,૮૦૪ અરજીઓ મંજૂર થઈ છે. તેમાં લાયસન્સ સંબંધિત ૭૮,૭૮૪, જ્યારે વાહન સંબંધિત ૫૩,૦૨૦ અરજીઓનો સમાવેશ થાય છે.

અગાઉ સર્વર ડાઉન થવું, ટેકનિકલ ખામીઓ કે વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે અરજદારોને અવારનવાર આરટીઓ કચેરીના ચક્કર કાપવા પડતા હતા,  પરંતુ ફેસલેસ વ્યવસ્થાથી આ સમસ્યાઓમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન કુલ ૧,૫૩,૫૯૯ વાહનોનું રજિસ્ટ્રેશન થયું  છે, જેમાં ૯,૧૮૮ ઇલેક્ટ્રિક વાહનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં દરજીપુરા આરટીઓ કચેરી ખાતે એક માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી લાંબુ અંતર કાપીને પહોંચતા અરજદારોને અવારનવાર ટેકનિકલ કારણોસર ટેસ્ટ આપવાની પ્રક્રિયા ખોરવાઈ જવાથી ધક્કા ખાવા પડે છે, શહેરના પશ્વિમ વિસ્તામાં લાંબા સમયથી વધુ એક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સુવિધા ઊભી કરવાનો પ્રશ્ન પેન્ડિંગ છે. જો પશ્વિમ વિસ્તામાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની સુવિધા થાય તો ઘણી રાહત થાય એમ છે.

Share :

Leave a Comments