બે અલગ-અલગ ટ્રેનમાંથી નિંદ્રાધીન બે મહિલાઓના દાગીના અને રોકડ સહિત 1.09 લાખની મત્તા ચોરાઇ

બંને મહિલાએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 1-09-lakh-worth-of-jewellery-and-cash-stolen-from-two-sleeping-women-in-two-different-trains

ટ્રેનમાં મુસાફરી દરમિયાન બે મહિલાઓ કોચમાં ઉંઘી ગઇ હતી. તે દરમિયાન તેમની ઉંઘનો લાભ લઇને ગઠિયાઓ તેમના સોનાના દાગીના, રોકડા રૂપિયા, અગત્યના દસ્તાવેજ મળી રૂ. 1.09 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેથી બંને મહિલાએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેન પૈકીની બાંદ્રા ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને મહિલા રેખા ગોસ્વામી પરિવાર સાથે ગત 19 ઓક્ટોબરના રોજ જનરલ કોચમાં બેસી મુસાફરી કરી હતી. ટ્રેન જ્યારે વડોદરા રેલ્વે સ્ટેશન પર પહોંચી ત્યારે તેમનું પર્સ ગાયબ થઈ ગયું હતું, મુસાફરી દરમિયાન જ્યારે મહિલા ઊંઘી ગઈ હતી ત્યારે આ ઘટના ઘટી હતી. અજાણ્યો શખસ મહિલાની ઊંઘનો લાભ ઊઠાવી ત્રણ સોનાની વીટી, એક સોનાની માળા તથા ત્રણ સોનાના કાનના ઝુમર મળી કુલ.રૂ. 95 હજારની મતા જે પર્સમાં હતી તે લઈને ફરાર થઈ ગયો હતો.

બીજા બનાવમાં વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા હેત્વી હિતેન્દ્રસિંહ વારાણસી રેલ્વે સ્ટેશનથી ગોરખપુર અમદાવાદ એકસપ્રેસ ટ્રેનના કોચમાં મુસાફરી કરતા છાયાપુરી (વડોદરા) જતા હતા. તે દરમ્યાન તેઓ કોચમાં ઉંઘી ગયા હતા ત્યારે કોઇ ગઠિયો રૂપિયા 14 હજારની મતા તથા ડેબિટકાર્ડ, આધારકાર્ડ તથા કપડા સહિતનો સામાન મુકેલી ટ્રોલી બેગ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. છાયાપુરી રેલ્વે સ્ટેશન આવતા ટ્રેનમાંથી મહિલા પોતાનો સામાન ઉતારતી વખતે ટ્રોલી બેગ જોવા મળી ન હતી. આ બંને બનાવમાં મહિલાઓએ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments